
અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) : સાવરકુંડલા ખાતે આવેલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આજે “પર્વ પૂર્ણિમા–15” અંતર્ગત સાહિત્ય, શિક્ષણ અને સંગીત સન્માન પર્વનો શુભ પ્રારંભ થયો. આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન મોરારીબાપુએ સંભાળ્યું હતું, જેના કારણે કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું હતું.
આ પર્વનો મુખ્ય હેતુ સાહિત્ય, શિક્ષણ અને સંગીત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિત્વોને સન્માનિત કરવાનો તેમજ સમાજમાં સાંસ્કૃતિક ચેતનાનો પ્રસાર કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન સાહિત્યિક વિચારો, સંગીતની મધુર રજૂઆતો અને શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા સંબોધનો કરવામાં આવ્યા.
મોરારીબાપુએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે સાહિત્ય, સંગીત અને શિક્ષણ સમાજના આત્માને જીવંત રાખે છે. આ ત્રણેય ક્ષેત્રો માનવજીવનને સંસ્કાર, સંવેદના અને દિશા આપે છે. આવા પર્વો દ્વારા નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે.
કાર્યક્રમમાં શહેરના ગણમાન્ય નાગરિકો, શિક્ષણવિદો, સાહિત્યકારો, સંગીતપ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai