
પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) પાટણ એલ.સી.બી. પોલીસે બાલીસણા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નાના રામણદા ગામના કાચા રસ્તેથી વિદેશી દારૂ ભરેલી ઈક્કો ગાડી ઝડપી હતી. પોલીસને જોઈને ગાડીમાં સવાર બે શખ્સો અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યા હતા.
બાતમી મુજબ સફેદ કલરની ઈક્કો ગાડી ચડાસણા તરફથી બાલીસણા તરફ આવવાની હતી. પોલીસે પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ગાડી રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી નાના રામણદા તરફના કાચા રસ્તે હંકારી હતી.
ફિલ્મી પીછા દરમિયાન કેનાલ પાસે ગાડી મૂકીને ચાલક અને તેની સાથેનો શખ્સ બાવળની ઝાડીઓમાં નાસી ગયા હતા. ગાડીની તપાસમાં રોયલ સ્ટેગ, ઓફિસર્સ ચોઈસ, મેકડોવેલ્સ નં.1, વ્હાઈટ લેસ વોડકા સહિત કુલ 1035 બોટલો અને કિંગફિશર બીયરના 120 ટીન મળી આવ્યા હતા.
પોલીસે રૂ. 2,54,435નો વિદેશી દારૂ અને રૂ. 1,50,000ની ઈક્કો ગાડી મળી કુલ રૂ. 4,04,435નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બાલીસણા પોલીસ મથકે ગુનો નોંધી ફરાર શખ્સોની શોધખોળ અને વધુ તપાસ પી.એસ.આઈ. શર્મિષ્ઠા પટેલને સોંપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ