અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દ્વારા, સિવિલમાં અંગદાન મહાનદાન અંકિત કરેલા 5000 પતંગોનું વિતરણ
સુરત, 12 જાન્યુઆરી (હિ.સ.): ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી અબોલ પક્ષીઓ તેમજ વાહનચાલકો ઘાયલ થતા હોય છે. નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે છેલ્લા 18 વર્ષથી નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા હેલ્પલાઈન સેવા શ
Surat


સુરત, 12 જાન્યુઆરી (હિ.સ.): ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી અબોલ પક્ષીઓ તેમજ વાહનચાલકો ઘાયલ થતા હોય છે. નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે છેલ્લા 18 વર્ષથી નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા હેલ્પલાઈન સેવા શરૂ કરી નવી સિવિલ હોસ્પિટલમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજવામાં આવે છે. પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે, ત્યારે આ વર્ષે પણ ઘાતક દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલમાં મેયર દક્ષેશભાઈ માવાણી અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં હેલ્પલાઈન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હેલ્પલાઈન સેવા માટે 96388-91235, 98253-04766, 98255-04766, 83205-95439, 99790-87053, 8460670644 ઉપર કોલ કરીને ઈજાગ્રસ્ત પક્ષીઓ કે, નાગરિકોની સારવાર માટે મદદ મેળવી શકાશે.

આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, નિર્દોષ અને અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. રાજ્યમાં વર્ષ 2017થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે દસ દિવસીય ‘કરુણા અભિયાન’ યોજવામાં આવે છે, જે માનવતા અને જીવદયાની ભાવનાને મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘અંગદાન મહાદાન’ અભિયાન પણ માનવ જીવન બચાવવાની સર્વોચ્ચ સેવા છે, જેમાં એક વ્યક્તિના અંગદાનથી અનેક લોકોને નવું જીવન મળી શકે છે. સમાજમાં જીવદયા અને માનવતાની આ ભાવના વધુ વિસ્તરે તે માટે આવા અભિયાનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે.

મેયરએ નવી સિવિલ નર્સિંગ એસોસિએશન દ્વારા સતત 18 વર્ષથી હેલ્પલાઈન સેવાની જ્યોત પ્રજ્વલિત રાખવા બદલ પ્રશંસા વ્યક્ત કરી અને સુરતવાસીઓને પક્ષી સંરક્ષણ સાથે સાથે અંગદાન જેવા મહાન કાર્ય માટે પણ આગળ આવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓના રક્ષણ-સારવારની સાથોસાથે અંગદાન-મહાદાન અભિયાનને જોડવામાં આવ્યું છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખ દ્વારા નવી સિવિલમાં અંગદાન મહાનદાનના સ્લોગન અંકિત કરેલા 5000 પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે, સાથે જ દરેક લોકોને પંતગ આપી અંગદાનના મહત્વ વિશેની સમજ અપાઈ છે. અંગદાન મહાદાન અભિયાન થકી લોકોના જીવ બચાવવાનો ઈય હેતુ છે. મારા 35મા જન્મદિવસે 35 લોકોએ અંગદાન કરવાનો સંકલ્પ કરી, ફોર્મ ભરી અંગદાનના અભિયાનને વેગ આપવાનું કાર્ય કર્યું છે, એવી જ રીતે દરેક યુવાનો અંગદાનના અભિયાન જોડાઈને સમાજહિત માટે આગળ આવવું જોઈએ.

નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 18 વર્ષથી પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતાથી કાર્યરત આ હેલ્પલાઈન સેવાનું સમગ્ર આયોજન કરીએ છીએ. ઉત્તરાયણના દિવસો દરમિયાન ઘાયલ પક્ષીઓ, ઈજાગ્રસ્ત દર્દીઓની સારવાર સેવા કરવામાં આવે છે. આ સાથે અંગદાન મહાદાનના અભિયાનને વેગવાન બનાવીશું. અંગદાનથી અનેક લોકોનો જીવ બચી શકે છે, જેથી આ મહત્વપૂર્ણ અભિયાનમાં સૌએ અવશ્ય જોડાવવું જોઈએ.

આ પ્રસંગે ફેકલ્ટી ડીન અને VNSGU ના બોર્ડ મેમ્બર ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બહ્મભટ્ટ, તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ટીબી ચેસ્ટ વિભાગના વડા અને નર્મદ યુનિ.ના બોર્ડ મેમ્બર ડો.પારૂલ વડગામા, સહસ્ત્રફણા ટ્રસ્ટના લહેરૂભાઈ ચાવાલા, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ કોલેજના આચાર્ય ડો.ઈન્દ્રાવતી રાવ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટસર્વ જિગીષાબેન સિમાણી, સ્ટેફી મેકવાન અને નીરજા પટેલ, નર્સિંગ એસો.ના નિલેષ લાઠીયા,જગદીશ બુહા, વિરેન પટેલ, ચેતન આહિર, સ્વયંસેવકો શનિ રાજપુત, દિપક જયસ્વાલ સહિત નર્સિંગ એસો.ની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande