
અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) : આજરોજ પંજાબ કિસાનસેલના પ્રમુખ બલવેન્દ્ર ગેલજીએ કુંકાવાવ તાલુકોમાં વિવિધ સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન વિસ્તારના સામાજિક, આર્થિક તેમજ ખેડૂતલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
ચર્ચામાં મુખ્યત્વે ખેડૂતોની હાલની પરિસ્થિતિ, ખેતીમાં વધતા ખર્ચ, પાકના વાજબી ભાવ, યુવાનોને રોજગારીની તકો તેમજ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો. બલવેન્દ્ર ગેલજીએ જણાવ્યું કે ખેડૂતો અને સમાજના તમામ વર્ગોની સમસ્યાઓને સંગઠિત રીતે આગળ લાવીને તેનો ઉકેલ લાવવો આજના સમયની જરૂરિયાત છે.
સામાજિક આગેવાનો દ્વારા પણ પોતાના વિસ્તારની સમસ્યાઓ, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક એકતાને લગતા સૂચનો રજૂ કરવામાં આવ્યા. તમામ આગેવાનોએ પરસ્પર સહયોગથી સમાજહિત માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ મુલાકાતને વિસ્તારમાં સામાજિક સંવાદ અને સહકારની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહી છે. આવી ચર્ચાઓથી ભવિષ્યમાં ખેડૂતો અને સમાજના હિતમાં સકારાત્મક પરિણામો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai