લીલીયા રેંજમાં દિલધડક રેસ્ક્યૂ: કેનાલમાં ફસાયેલા બે સિંહ બાળોને વન વિભાગે બચાવી માતા સાથે મિલન કરાવ્યું
અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) : લીલીયા રેંજના મોટા ગોખરવાળા વિસ્તાર નજીક આવેલી કેનાલમાં બે નાનાં સિંહ બાળ ફસાઈ જતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન
લીલીયા રેંજમાં દિલધડક રેસ્ક્યૂ: કેનાલમાં ફસાયેલા બે સિંહ બાળોને વન વિભાગે બચાવી માતા સાથે મિલન કરાવ્યું


અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) : લીલીયા રેંજના મોટા ગોખરવાળા વિસ્તાર નજીક આવેલી કેનાલમાં બે નાનાં સિંહ બાળ ફસાઈ જતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું.

વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ જ સાવચેતી અને કુશળતાપૂર્વક કેનાલમાં ઉતરી બંને સિંહ બાળોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. રેસ્ક્યૂ દરમિયાન આસપાસ માતા સિંહણની હાજરી હોવાની શક્યતા હોવાથી સમગ્ર કાર્યવાહી વિશેષ સતર્કતા સાથે કરવામાં આવી. બંને સિંહ બાળોને પ્રાથમિક રીતે ચકાસણી કર્યા બાદ તેમને પિંજરામાં રાખવામાં આવ્યા હતા.

થોડા સમય બાદ વન વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે માતા સિંહણને નજીક લાવવામાં આવી અને સુરક્ષિત વાતાવરણમાં બંને સિંહ બાળને માતા સાથે મિલન કરાવવામાં આવ્યું. માતા સાથે બાળકોનું મિલન થતાં વન વિભાગની ટીમ તેમજ સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ રેસ્ક્યૂ ઓપરેશન વન વિભાગની તત્પરતા અને માનવ-વન્યજીવન વચ્ચેના સંતુલનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. આવા પ્રયાસોથી સિંહ જેવા દુર્લભ અને સંરક્ષિત વન્યજીવોના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande