
અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) : સાવરકુંડલા નજીક હાડીડા અને મોટી વડાળ વિસ્તાર પાસે “સલામત સવારી એસટી અમારી”ના નારા વચ્ચે ફરી એકવાર એસટી બસ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. રાજકોટથી મહુવા જતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી)ની બસ અચાનક નિયંત્રણ ગુમાવતા રોડની સાઇડમાં નીચે ઉતરી ગઈ હતી.
અકસ્માતના સમયે બસમાં બેઠેલા મુસાફરોને નાની–મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને તંત્ર તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની આરોગ્ય સુવિધામાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે, બસ સંપૂર્ણપણે પલટી ન ખાઈ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી, જેના કારણે મુસાફરો અને તેમના સ્વજનોને હાશકારો મળ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓ મુજબ રસ્તાની બાજુમાં કાચો કિનારો અને અચાનક બ્રેક પડવાથી બસ સાઇડમાં ઉતરી ગઈ હોવાનું અનુમાન છે. મહુવા રૂટ પર એસટી બસને લઈને અગાઉ પણ અકસ્માતોની ચર્ચા થતી રહી છે, જેના કારણે મુસાફરોમાં સલામતી અંગે ચિંતા વધી છે.
સ્થાનિકોએ માર્ગની સ્થિતિ સુધારવા, બસોની તકનિકી તપાસ કડક કરવા અને ડ્રાઈવિંગ સલામતી અંગે વધુ સતર્કતા રાખવાની માંગ ઉઠાવી છે. તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai