

પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) : લુણીચાણાના સદગુરુ પરિવાર દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે શાળાના બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિનો હેતુ બાળકોમાં ઉત્સાહ અને આનંદ વધારવાનો હતો.
પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી (હરિહર ધામ, બેલા મોરબી)ની પ્રેરણાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંતલપુર તાલુકાની ગો. ગામડી પ્રાથમિક શાળા, લુણીચાણા આંગણવાડી તથા લુણીચાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પતંગ-દોરી, પીપુડી અને તલની ચીકી આપવામાં આવી.
વિશ્વ પ્રસિદ્ધ કથાકાર મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના આશીર્વાદથી સદગુરુ પરિવાર લુણીચાણા દ્વારા નિયમિત રીતે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. મદારસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ તહેવારો તથા અન્ય પ્રસંગોએ બાળકોને ઉપયોગી વસ્તુઓ અને મીઠાઈનું વિતરણ કરવાની પરંપરા જળવાઈ રહી છે.
આ કાર્યક્રમમાં મદારસિંહ ગોહિલ, કાળુ ઠાકોર, ગિરિરાજસિંહ ગોહિલ, વર્ષાબા ગોહિલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગો. ગામડી અને લુણીચાણા પ્રાથમિક શાળાના શિક્ષકોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો અને બાળકોમાં વિશેષ આનંદ જોવા મળ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ