પાટણના વરાણા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ, એક ઝડપાયો
પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) : સમી તાલુકાના વરાણા ગામ નજીક ભુજ બોર્ડર રેન્જ અને સમી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી હતી. આ કાર્યવાહીમાં ગાડી ચાલક કિરણ ભલાભાઈ સોલંકી (રાજપૂત) ને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે
વરાણા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ, એક ઝડપાયો


પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) : સમી તાલુકાના વરાણા ગામ નજીક ભુજ બોર્ડર રેન્જ અને સમી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી હતી. આ કાર્યવાહીમાં ગાડી ચાલક કિરણ ભલાભાઈ સોલંકી (રાજપૂત) ને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે શખ્સો ફરાર હોવાનું સામે આવ્યું છે.

ભુજ બોર્ડર રેન્જ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાધનપુર તરફથી એક સ્કોર્પિયો ગાડી વિદેશી દારૂ ભરી શંખેશ્વર તરફ જવાની છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ખાનગી વાહનમાં ગાડીનો પીછો કર્યો હતો.

પોલીસનો પીછો થતાં ગાડી ચાલકે દિશા બદલી સમી તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સમી પોલીસને જાણ થતાં વરાણા નજીક પુલના છેડે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન ગાડીનું ટાયર ફાટતાં સ્કોર્પિયો ઊભી રહી ગઈ અને ચાલકને ઝડપી લેવામાં આવ્યો.

તપાસ દરમિયાન ગાડીમાંથી રૂપિયા 1.71 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂ, સ્કોર્પિયો ગાડી અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 5.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પૂછપરછમાં દારૂ સાંચોર નજીકથી નરેન્દ્રસિંહે ભર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande