
પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) : પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં રવિવારે રાત્રે એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સરોવરમાં કામ કરતા બ્યુટીફિકેશનના મજૂરોને ‘બચાવો બચાવો’ના અવાજો સંભળાતા તેમણે તરત જ કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસ બારોટને જાણ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે મહિલા સરોવરના પાણીમાં ડૂબી રહી હતી. આ ઘટનાની માહિતી મળતા ફાયર ઓફિસર સ્નેહલ તેમની ટીમ સાથે બોટ લઈને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અંધારા અને કડકડતી ઠંડી વચ્ચે ફાયર બ્રિગેડ, સ્થાનિક સેવકો અને તેજસ બારોટે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલાને પાણીમાંથી બહાર કાઢી હતી. લાંબા સમય સુધી પાણીમાં રહેવાને કારણે મહિલા ઠંડીથી અકડાઈ ગઈ હતી, જેને બ્લેન્કેટ ઓઢાડી હૂંફ આપવામાં આવી હતી.
ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલા શહેરના હાઉસિંગ વિસ્તારમાં રહે છે અને માનસિક અસ્થિરતાના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. ફાયર ટીમ અને સેવકોની સમયસૂચકતા કારણે મહિલાનો જીવ બચી ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ