
સુરત, 12 જાન્યુઆરી (હિ.સ.) : સુરતના ડીંડોલી-નવાગામ વિસ્તારમાં રવિવારની રજા દરમિયાન ક્રિકેટ રમવાની ખુશી અચાનક શોકમાં ફેરવાઈ ગઈ. મિત્રો સાથે મેચ રમતા 35 વર્ષીય મેહુલ સતીશ પટેલનું અચાનક અવસાન થતા સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. પ્રાથમિક રીતે હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મેહુલ પટેલ ડીંડોલી નવાગામના ધોડિયાવાડ વિસ્તારમાં રહેતા હતા અને બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકની ડુભાલ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. દર રવિવારે તેઓ મિત્રો સાથે ક્રિકેટ રમવા જતા. આ રવિવારે પણ તેઓ નંદનવન ટાઉનશીપ નજીકના મેદાનમાં મેચ રમવા ગયા હતા. બેટિંગ પૂર્ણ થયા બાદ મેદાનમાં આવેલા ડિવાઈડર પર બેઠા ત્યારે અચાનક બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા.
મિત્રોએ તાત્કાલિક તેમને પોતાની કારમાં નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા. ડોક્ટરોના જણાવ્યા મુજબ હાર્ટ એટેક આવ્યાની સંભાવના છે, જેના કારણે બચાવ માટે સમય મળી શક્યો નહોતો.
આ ઘટના અંગે વોર્ડ નંબર 27ના કોર્પોરેટર સુધાકર ચૌધરીએ પણ ગહન શોક વ્યક્ત કર્યો છે. મેહુલના અવસાનથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બે વર્ષના નાનકડા પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે વૃદ્ધ માતા-પિતા અને પત્નીનું રુદન જોઈ આસપાસના લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
છેલ્લા કેટલાક સમયથી સુરત સહિત ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકના વધતા બનાવો ફરી એકવાર ગંભીર ચિંતા ઉભી કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે