
જામનગર, 12 જાન્યુઆરી (હિ.સ.) : રોટરી ક્લબ ઓફ છોટાકાશી જામનગર દ્વારા આયોજિત 'સાયક્લોફન 2026 માં 1,700 થી વધુ સાયકલિસ્ટોની સહભાગીદારી સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ઇવેન્ટને કારણે જામનગર શહેર ઉર્જા અને ઉત્સાહના કેન્દ્રમાં ફેરવાઈ ગયું હતું.
જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા સાયકલિસ્ટોએ 05 કિમી, 10 કિમી, 25 કિમી, 50 કિમી અને 100 કિમીની પાંચ વિવિધ શ્રેણીઓમાં ભાગ લીધો હતો. આ આયોજન શહેરની અત્યાર સુધીની સૌથી મોટી સામુદાયિક સાયકલિંગ ઇવેન્ટ્સમાંની એક બની રહી.
આ કાર્યક્રમમાં પરિવારો, વિદ્યાર્થીઓ, ફિટનેસ પ્રેમીઓ અને પ્રોફેશનલ સાયકલિસ્ટોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, જે જામનગરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે વધતી જતી જાગૃતિ દર્શાવે છે. સુવ્યવસ્થિત રૂટ્સ, વોલેન્ટિયર્સનું સંકલન અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થાને કારણે સમગ્ર કાર્યક્રમ નિર્વિઘ્ન પૂર્ણ થયો હતો.
પોતાનો અનુભવ જણાવતા એક સહભાગીએ જણાવ્યું કે, સાયક્લોફન 2026નું આયોજન ખૂબ જ પ્રેરણાદાયી હતું. આટલી મોર્ટી સંખ્યામાં લોકો સાથે સાયકલ ચલાવવી એ સાબિત કરે છે કે ફિટનેસના માધ્યમથી સમાજને કેવી રીતે એક કરી શકાય છે.
આ ભવ્ય આયોજનમાં સ્પોન્સર, તેમજ જામનગર સાયકલિંગ ક્લબ અને જામનગર પોલીસનો સક્રિય ટેકો સાંપડયો હતો. જનતાના અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે સાયક્લોફન 2026 એ જામનગરમાં સાયકલિંગ ઇવેન્ટ્સ માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt