
મેડ્રિડ, નવી દિલ્હી, 13 જાન્યુઆરી (હિ.સ.): સ્પેનિશ ફૂટબોલ દિગ્ગજ રિયલ મેડ્રિડે, તેમના મુખ્ય કોચ જાબી અલોન્સોની સહમતી વિદાયની જાહેરાત કરી છે. ક્લબે સોમવારે આ જાહેરાત કરી.
ક્લબે કાસ્ટિલા (બી ટીમ) કોચ અલ્વારો આર્બેલોઆને, એલોન્સોના સ્થાને પ્રથમ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
રવિવારે સ્પેનિશ સુપર કપ ફાઇનલમાં કટ્ટર હરીફ બાર્સેલોના સામે 2-3 થી હાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં, રિયલ મેડ્રિડ બાર્સેલોનાથી ચાર પોઇન્ટ પાછળ છે, જે લા લીગા સ્ટેન્ડિંગમાં આગળ છે.
જાબી અલોન્સોએ, 1 જૂન, 2025 ના રોજ રિયલ મેડ્રિડનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા, તેમનો જર્મન ક્લબ બેયર લેવરકુસેન સાથે શાનદાર કાર્યકાળ રહ્યો હતો, જ્યાં તેમણે 2023-24 સીઝનમાં સ્થાનિક ડબલ (લીગ અને કપ) જીત્યા હતા અને ટીમને યુરોપા લીગ ફાઇનલમાં લઈ ગયા હતા.
રીઅલ મેડ્રિડ સાથે એલોન્સોની શરૂઆત પણ પ્રભાવશાળી રહી. ક્લબ વર્લ્ડ કપના સેમિફાઇનલમાં ટીમનું નેતૃત્વ કર્યા પછી, તેણે આગામી 14 માંથી 13 મેચ જીતી. આ સમયગાળા દરમિયાન એકમાત્ર મોટી હાર એટલેટિકો મેડ્રિડ સામે ડર્બીમાં મળી.
જોકે, 4 નવેમ્બરના રોજ લિવરપૂલ સામે ચેમ્પિયન્સ લીગમાં હાર બાદ, ટીમના પ્રદર્શનમાં ઘટાડો થયો. ત્યારબાદ રીઅલ મેડ્રિડે, આઠ મેચમાં ફક્ત બે જીત નોંધાવી. જોકે એલોન્સોના નેતૃત્વ હેઠળ પાંચ મેચની જીતનો સિલસિલો થોડી રાહત આપતો હતો, પરંતુ તે ક્લબ મેનેજમેન્ટને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે મનાવવા માટે પૂરતું ન હતું.
દરમિયાન ક્લબે, કાસ્ટિલાના કોચ અલ્વારો આર્બેલોઆમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તેમને રીઅલ મેડ્રિડની પ્રથમ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આર્બેલોઆ ભૂતપૂર્વ ખેલાડી છે અને રીઅલ મેડ્રિડના યુવા માળખા અને ક્લબ સંસ્કૃતિની ઊંડી સમજ ધરાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ