



પોરબંદર, 14 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરના રામકૃષ્ણ મીશન ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે, એક સંપૂર્ણ યુવા સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિવિધ કોલેજોના કુલ ૧૪૦ કોલેજીયન યુવા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર દિવસ દરમિયાન સક્રિય રીતે જોડાયેલા રહ્યા હતા.આ યુવા સંમેલનનો મુખ્ય ઉદ્દેશ આજના યુવાનો સામે ઉભા રહેલા પડકારો જેમકે માનસિક આરોગ્ય, ડિજિટલ વ્યસન, આત્મવિશ્વાસનો અભાવ અને વ્યક્તિત્વ વિકાસ વિશે જાગૃતિ લાવવાનો હતો. સ્વામી વિવેકાનંદના વિચારો અને જીવનમાંથી પ્રેરણા લઈ વિવિધ વિષયો પર પ્રેરણાદાયી વ્યાખ્યાનો, સંવાદાત્મક સત્રો તથા ઓડીયો-વિઝયુઅલ રજૂઆતો યોજાઇ હતી.
કાર્યક્રમ દરમિયાન ગોઢાણીયા કોલેજના પ્રોફેસર ઋષિકા હાથી, આર્યકન્યા ગુરુકુલના પ્રિન્સિપાલ ડો.રંજન મજીઠીયા અને રાજકોટના રામકૃષ્ણ આશ્રમના સ્વામી પ્રણવાર્થાનંદજી દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. વકતાઓએ પોતાના અનુભવ અને વિચારો દ્વારા યુવાનોને આત્મવિશ્વાસ, મૂલ્યનિષ્ઠ જીવન અને રાષ્ટ્ર પ્રત્યે જવાબદારી અંગે પ્રેરણા આપી હતી.સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ પર આધારિત ખાસ ઓડિયો -વિઝયુઅલ સત્રે યુવાનો પર ઉંડી અસર પાડી હતી.
ઇન્ટરેકટીવ સત્રો દરમિયાન વિદ્યાર્થીઓએ ખુલ્લા મનથી પોતાના વિચારો વ્યકત કર્યા અને પ્રશ્નો પૂછયા જેના કારણે સમગ્ર કાર્યક્રમ જીવંત અને અર્થપૂર્ણ બન્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ કરવામાં આવ્યુ હતુ. આયોજકોએ જણાવ્યુ હતુ કે કાર્યક્રમનો હેતુ માત્ર રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી પૂરતો નહી પરંતુ યુવાનોમાં આત્મવિશ્વાસ, આંતરિક શક્તિ અને સેવાભાવના વિકાસ કરવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya