
પાટણ, 14 જાન્યુઆરી (હિ.સ.)ચાણસ્મા નગરમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પતંગ અને દોરીની ખરીદી માટે પતંગરસિયાઓ મોટી સંખ્યામાં બજારમાં ઉમટી પડ્યા હતા, જેના કારણે અંદાજે ₹2 કરોડનો વેપાર થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું. પતંગ સ્ટોલના વેપારીઓ મુકેશભાઈ પિત્રોડા અને શાકુભાઈ દેવીપૂજકે આ વેપારનો આંકડો આપ્યો હતો.
ઉત્તરાયણના દિવસે નગરના ધાબાઓ પર ‘એ કાપ્યો’ અને ‘લપેટ’ના ઉત્સાહભર્યા નારા સાથે પતંગ યુદ્ધ જામ્યું હતું. વડીલો સાથે નાના બાળકોએ પણ પતંગ કે ફુગ્ગા ઉડાવીને તહેવારની ખુશીમાં ભાગ લીધો. ચાણસ્મા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પતંગરસિયાઓએ આકાશને રંગીન બનાવી દીધું હતું.
પતંગ-દોરીના વેપાર ઉપરાંત ફાફડા, જલેબી અને ઊંધિયું ખરીદવા માટે સવારથી જ સ્વીટ માર્ટ સ્ટોર્સ પર ભીડ જોવા મળી. આ કારણે સમગ્ર ચાણસ્મા બજારમાં મેળા જેવો માહોલ છવાઈ ગયો હતો અને ઉત્તરાયણનો ઉત્સવ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ