
અમરેલી, 15 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લાના સહજ સીટી ગ્રાઉન્ડ ખાતે અમરેલી જિલ્લા યુવા આહિર સમાજના નેજા હેઠળ ભવ્ય આહિર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સમગ્ર અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો. શિયાળાની ઋતુમાં ખેલકૂદને મહત્વ આપતા આ આયોજન દ્વારા યુવાઓમાં શિસ્ત, રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને સંગઠન શક્તિ વિકસાવવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમરેલીની શ્યામ ઇલેવન અને રાજુલાની આરાધ્યા ઇલેવન વચ્ચે રમાઈ હતી, જેમાં રાજુલાની આરાધ્યા ઇલેવન વિજેતા બની હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન બદલ બેસ્ટ બેટ્સમેન તરીકે જીલુ લાખણોત્રા, બેસ્ટ બોલર તરીકે રણજીત ડેર, બેસ્ટ ફિલ્ડર તરીકે રાજુ વાઘ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે મુળુ લાખણોત્રાને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતા અને રનર્સ-અપ બંને ટીમોને ટ્રોફી તથા ઇનામ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અમરેલી જિલ્લા યુવા આહિર સમાજના પ્રમુખ કમલેશ ગરણિયાએ જણાવ્યું હતું કે આવા ટુર્નામેન્ટથી યુવાઓમાં ખેલદિલી, આત્મવિશ્વાસ અને સમાજભાવના મજબૂત બને છે. સમાજને વધુ સંગઠિત અને સશક્ત બનાવવા માટે આવનાર વર્ષોમાં પણ આવા આયોજનને વધુ વ્યાપક બનાવવામાં આવશે. આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા સમાજના યુવાઓ, દાતાઓ અને માર્ગદર્શક વડીલોએ ઉદાર સહયોગ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai