
અમરેલી, 15 જાન્યુઆરી (હિ.સ.) : સત્ય, પ્રેમ અને સેવા ના પ્રતિક સત્ય સાઈબાબાના ૧૦૦મા પ્રાગટ્ય દિવસના પાવન અવસરે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં સત્ય સાઈબાબાના પવિત્ર દર્શનનો સુઅવસર ભક્તજનોને પ્રાપ્ત થયો હતો. વહેલી સવારથી જ ભક્તોમાં ઉત્સાહ અને ભક્તિભાવ છલકાઈ ઉઠ્યો હતો.
રથયાત્રા દરમિયાન સર્વે ભક્તજનો દ્વારા કીર્તન, ભજન અને જયઘોષ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને પાવન બની ગયું હતું. “સત્યમ્, શિવમ્, સુંદરમ્”ના સંદેશ સાથે આગળ વધતી રથયાત્રાએ શ્રદ્ધાળુઓના હૃદયમાં આધ્યાત્મિક ચેતના જગાવી હતી. માર્ગના બંને બાજુ મોટી સંખ્યામાં ભક્તોએ પુષ્પવર્ષા કરી અને આરતી દ્વારા ભગવાનનું સ્વાગત કર્યું હતું.
આ પાવન પ્રસંગે રાજ્યના મંત્રીઓ તથા સાંસદઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સત્ય સાઈબાબાના જીવન સંદેશ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સેવા, પ્રેમ અને માનવતાનો માર્ગ આજે પણ સમાજ માટે પ્રેરણારૂપ છે. આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં શાંતિ, સદભાવના અને એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.
આ સમગ્ર આયોજનમાં સાઈ સંસ્થાના સેવકો અને સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ રીતે સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ૧૦૦મા પ્રાકટ્ય દિવસ નિમિત્તે યોજાયેલી આ રથયાત્રા ભક્તોના મનમાં અવિસ્મરણીય સ્મૃતિ બની રહી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai