
અમરેલી, 15 જાન્યુઆરી (હિ.સ.) : સાવરકુંડલા શહેરને સ્માર્ટ GIDC મળવાની ઐતિહાસિક સિદ્ધિના પ્રસંગે શહેરના વેપારીઓ, ઉદ્યોગ અગ્રણીજનો તેમજ સર્વે સમાજના આગેવાનો દ્વારા યોજાયેલા સન્માન સમારંભમાં સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલાનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરમાં વિકાસ અને ઉદ્યોગક્ષેત્રે નવા યુગની શરૂઆત થવા જઈ રહી હોવાની લાગણી વ્યાપી હતી.
સન્માન સ્વીકારતા ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે સાવરકુંડલાને સ્માર્ટ GIDC મળવી એ માત્ર એક પ્રોજેક્ટ નહીં પરંતુ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસ, રોજગાર સર્જન અને યુવાનોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. તેમણે આ સિદ્ધિ માટે રાજ્ય સરકાર, સંબંધિત વિભાગો તેમજ સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારોના સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
આ સમારંભમાં વેપારી મંડળીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસુરે સ્માર્ટ GIDCના આગમનથી સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગિક વિકાસ, નવું રોકાણ અને રોજગારીની તકો વધશે તેવી આશા વ્યક્ત કરી હતી.
અંતમાં ધારાસભ્ય મહેશ કસવાલાએ તેમને આપવામાં આવેલા સન્માન બદલ શહેરના સર્વે વેપારીઓ, ઉદ્યોગ અગ્રણીજનો અને સમાજના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ સાવરકુંડલાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai