
અમરેલી, 15 જાન્યુઆરી (હિ.સ.) : મકરસંક્રાંતિના પાવન પર્વની ઉજવણી સેવા અને માનવતાના ભાવ સાથે કરતાં બાપાસીતારામ અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના અંતિમ છોરે રહેલા પરિવારોને તહેવારના દિવસોમાં સહારો મળે તે હેતુથી આ સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા ગોઠવણબદ્ધ રીતે રાશન કીટો વિતરણ કરી સેવા, સહકાર અને કરુણાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કૌશિક વેકારીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટ્રસ્ટના આ સેવાભાવી કાર્યની સરાહના કરતા જણાવ્યું હતું કે તહેવારો માત્ર ઉજવણી પૂરતા સીમિત ન રહી, પરંતુ જરૂરિયાતમંદોના જીવનમાં ખુશી લાવવાનું માધ્યમ બને ત્યારે તેનું સાચું મહત્વ સાર્થક બને છે. આવા સેવાકાર્યો સમાજમાં એકતા, સહાનુભૂતિ અને સામાજિક જવાબદારીની ભાવનાને મજબૂત બનાવે છે.
રાશન કીટમાં દૈનિક ઉપયોગી અનાજ અને આવશ્યક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી લાભાર્થી પરિવારોને તહેવાર દરમિયાન આર્થિક રાહત મળી શકે. ટ્રસ્ટના આયોજકો અને દાતાઓએ ઉદાર હાથે સહયોગ આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સેવા, સહકાર અને માનવતાની ભાવનાથી પ્રેરિત આ ઉત્તમ કાર્ય બદલ બાપાસીતારામ અન્નક્ષેત્ર ટ્રસ્ટના આયોજકોને સર્વત્રથી અભિનંદન મળી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai