
નાગપુર, નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે કહ્યું કે, મતદાન દરમિયાન બધા ઉમેદવારો (નોટા) ને નકારવાને બદલે, ઉપલબ્ધ વિકલ્પોમાંથી લાયક ઉમેદવાર પસંદ કરવો વધુ યોગ્ય છે.
મહારાષ્ટ્રમાં ગુરુવારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ડૉ. મોહન ભાગવત અને ભૂતપૂર્વ સંઘ સરકાર્યવાહ સુરેશ ઉર્ફે 'ભૈયાજી' જોશીએ, ગુરુવારે મહાલમાં નાગપુર નાઇટ હાઇ સ્કૂલના મતદાન મથક પર મતદાન કર્યું. તેઓ મતદાન કરવા માટે સૌથી પહેલા પહોંચેલા લોકોમાંના એક હતા.
મતદાન કર્યા પછી ડૉ. ભાગવતે કહ્યું કે, નોટા નો ઉપયોગ કરવો એ બધા ઉમેદવારોને નકારવા સમાન છે અને લોકશાહીમાં તેને સૌથી ખરાબ પરિસ્થિતિ ગણી શકાય. તે ખરેખર પરોક્ષ રીતે અનિચ્છનીય ઉમેદવારોને ફાયદો પહોંચાડે છે. તેથી, ઉપલબ્ધ ઉમેદવારોમાંથી સૌથી લાયક અને શ્રેષ્ઠ ઉમેદવારની પસંદગી કરવી જોઈએ.
તેમણે કહ્યું કે, લોકશાહી વ્યવસ્થામાં મતદાન અત્યંત મહત્વપૂર્ણ છે અને તે દરેક નાગરિકનું કર્તવ્ય છે. મતદાન જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. અરાજકતા એટલે રાજા કે નેતૃત્વનો અભાવ, જે સમાજ માટે હાનિકારક છે.
મહાભારતનો ઉલ્લેખ કરતા તેમણે સમજાવ્યું કે, તેમાં પણ યોગ્ય નેતૃત્વ પસંદ કરવાના મહત્વ પર પણ ભાર મુક્યો છે. ડૉ. ભાગવતે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ મતદાન અંગે સતત જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે, જેની અસરો ધીમે ધીમે દેખાશે. તેમણે ફરી એકવાર ઉપલબ્ધ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ પસંદ કરવાનું આહ્વાન કર્યું, નોટા નહીં.
હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ