
સુરત, 18 જાન્યુઆરી (હિ.સ.)-નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે રૂ. 11 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું. યુનિવર્સિટી કેમ્પસમાં કલ્પતરુ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર, પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવન તથા ડાઇનિંગ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે યુટિલિટી ભવન, મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે કન્વેન્શન હોલમાં આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, શિક્ષણ સાથે સાથે જીવનમાં પ્રેક્ટિકલ જ્ઞાન અત્યંત જરૂરી છે. પ્રેક્ટિકલ જ્ઞાનથી યુવાનો સ્વવિકાસ કરી પરિવાર તથા દેશને આગળ લઈ જઈ શકે છે. જીવનમાં સપનાઓ સાકાર કરવા આયોજનબદ્ધ મહેનત જરૂરી છે અને યોગ્ય યોજના બનાવી સતત પ્રયત્ન કરવો જોઈએ.
તેમણે જણાવ્યું કે, વીર કવિ નર્મદ સમાજ સુધારણા અને શિક્ષણના આજીવન સમર્થક રહ્યા હતા. તેમના નામે સ્થાપિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પારદર્શી શિક્ષણથી પોતાની આગવી ઓળખ બનાવી છે. કેમ્પસમાં આરોગ્ય કેન્દ્રના નિર્માણથી હવે વિદ્યાર્થીઓને અહીં જ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
નાયબ મુખ્યમંત્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે, દેશના વિકાસમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી વિદ્યાર્થીઓના સપનાઓ સાકાર થઈ રહ્યા છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા જેવી યોજનાઓ યુવાનોને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી રહી છે.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડા, કુલસચિવ ડો. રમેશદાન ગઢવી, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે