કડકડતી ઠંડીમાં જામનગરનું મોખાણા વાડી વિસ્તાર બન્યું ‘મીની કાશ્મીર’, ઝાકળમાં ઝગમગ્યાં રંગબેરંગી ફૂલોના ખેતરો
જામનગર, 18 જાન્યુઆરી (હિ.સ.) : હાડ થીંજવતી ઠંડીના પ્રકોપે સમગ્ર જનજીવન ઠીંગરાઈ ગયું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો પ્રભાવ વધતા જામનગર તાલુકાના મોખાણા વાડી વિસ્તારની સુંદરતા અનોખા રૂપે ખીલી ઊઠી છે. ફુલોની ખેતી માટે પ્રખ્યાત આ વિસ્તાર શિયાળ
વાડી વિસ્તાર મીની કાશ્મીર બન્યું


જામનગર, 18 જાન્યુઆરી (હિ.સ.) : હાડ થીંજવતી ઠંડીના પ્રકોપે સમગ્ર જનજીવન ઠીંગરાઈ ગયું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો પ્રભાવ વધતા જામનગર તાલુકાના મોખાણા વાડી વિસ્તારની સુંદરતા અનોખા રૂપે ખીલી ઊઠી છે. ફુલોની ખેતી માટે પ્રખ્યાત આ વિસ્તાર શિયાળાની સવારમાં જાણે ‘મીની કાશ્મીર’ બની જાય છે.

કડકડતી ઠંડી સાથે પડતી ઘાટી ઝાકળથી ખેતરો પર સફેદ ચાદર પથરાઈ જાય છે અને તેમાં ખીલેલા રંગબેરંગી ફુલો દ્રશ્યને મનમોહક બનાવી દે છે. મોખાણા વાડી વિસ્તારમાં શહેરની તુલનામાં દોઢ ગણી વધુ ઠંડી અનુભવાય છે. શહેરમાં સામાન્ય ઠંડી હોય ત્યારે અહીં તાપમાન સીંગલ ડીઝીટ સુધી પહોંચી જાય છે.

વહેલી સવારમાં ખેતરોમાં ઝાકળવર્ષા સાથે ઠંડા પવન ફૂંકાતા હોવાથી લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈ જાય છે. ખેડૂતો માટે આ ઠંડી ફુલોની ખેતી માટે લાભદાયી સાબિત થાય છે, કારણ કે શિયાળાની ઠંડી ફુલોની ગુણવત્તા અને રંગત વધારવામાં મદદરૂપ બને છે.

રોઝ, ગલગોટા, ગેલેરીયા, મોગરા, ડોલર, ગુલાબ સહિત વિવિધ પ્રકારના ફુલોના ખેતરો ઝાકળમાં ભીંજાઈને વધુ આકર્ષક દેખાય છે. સૂર્યોદય સમયે જ્યારે સૂર્યકિરણો ઝાકળ પર પડતા હોય છે, ત્યારે ખેતરોમાં ચમકતો દૃશ્ય જોવા મળે છે, જે લોકોને કાશ્મીરની યાદ અપાવે છે. હાલ કડકડતી ઠંડીના કારણે મોખાણા વાડી વિસ્તાર કુદરતપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.

વાડીઓમાં ચારે બાજુ પાણીનું પિયત કરેલું હોવાથી શહેરી વિસ્તાર કરતા દોઢ ગણી ઠંડી વધુ હોય છે, હાલ સીંગલ ડીઝીટમાં પારો પહોંચી જતાં મોખાણા વાડી વિસ્તાર ઠંડુગાર બન્યું છે. તો બીજી વાડીની બાજુમાંથી નિકળતી નાગમતી નદી અને વહેતા પાણીના કારણે સૌંદર્ય ખીલી ઉઠે છે. હાડ થીંજવતી ઠંડીમાં વાડી માલિકો વહેલી સવારમાં ગરમ કપડામાં વીંટાઈને ગુલાબના ફુલો વીંણતા હોય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande