
ગાંધીનગર, 18 જાન્યુઆરી (હિ.સ.) : જિલ્લા સ્તરે પોલીસિંગમાં આવતા પડકારોને પ્રત્યક્ષ રીતે સમજવા, જમીની હકીકતોનું મૂલ્યાંકન કરવા અને વહીવટી પ્રક્રિયાને ગતિ આપીને જરૂરિયાત આધારિત ત્વરિત ઉકેલો લાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા શરૂ કરાયેલી પહેલ “One Day One District” અંતર્ગત દાહોદ જિલ્લા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં દાહોદ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અને આંતરરાજ્ય સરહદોને ધ્યાને રાખીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
રાજ્યના પોલીસ વડા દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડા અને પંચમહાલ રેન્જ IG સાથે યોજાયેલા સંવાદમાં વિવિધ પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં દાહોદ જિલ્લામાં અસરકારક પોલીસિંગ માટે જરૂરી મહેકમ અને વાહન સંસાધનોની ઉપલબ્ધતા અંગે વિગતવાર ચર્ચા કરવાના આવી. તે ઉપરાંત દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સાથે સરહદ ધરાવતો હોવાથી, આંતરરાજ્ય ગુનેગારોને ડામવા માટે ઇન્ટેલિજન્સ શેરિંગ અને સંયુક્ત કાર્યવાહી પર ભાર મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, દાહોદમાં પોલીસ ચોકી અને આઉટપોસ્ટનું અપગ્રેડેશન કરવા તેમજ પોલીસ આવાસ અને વિભાગીય ઇમારતોના નિર્માણ માટેના આયોજનની પણ ચર્ચા કરવામાં આવી.
ડિજિટલ પોલીસિંગને વેગ આપવા માટે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી મજબૂત બનાવવા ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોની સુખાકારી માટે કલ્યાણકારી યોજનાઓ તથા પોલીસ લાઇનના બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તે માટે પ્રોત્સાહક માળખું તૈયાર કરવા સહિતના વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લાની જરૂરિયાતોના મૂલ્યાંકન બાદ, રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ એ પોલીસ ભવનની સંબંધિત શાખાઓને દાહોદ જિલ્લાની માંગણીઓનું તાત્કાલિક પરીક્ષણ કરવા સૂચના આપી છે. જે બાબતોમાં નીતિગત મંજૂરી કે વધારાના બજેટની જરૂરિયાત છે, તેના પ્રસ્તાવો ત્વરિત ધોરણે ગૃહ વિભાગને મોકલવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ