

પોરબંદર, 18 જાન્યુઆરી (હિ.સ.)રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ. 11.18 કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પોથી સ્થાનિક પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તારના નરસંગ ટેકરી એરિયા, પરેશ નગર, સાંઈ બાબા મંદિર સહિતના વિસ્તારોમાં 18 કિલોમીટર લાંબા રસ્તાઓનું રૂ.11.18 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. રસ્તાઓની ઊંચાઈ વધવાથી મકાનો નીચા ન થઈ જાય તે માટે આ વખતે ખાસ આયોજન કરાયું છે. રસ્તાઓને ખોદકામ કરીને તેની ઊંચાઈ જળવાઈ રહે તે રીતે રિકાર્પેટ કરવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાશે.મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વિસ્તારમાં અનેક નવી સોસાયટીઓ બની છે અને વિકાસ થયો છે. રસ્તાના કામની સાથે ગલીઓની ઊંચાઈ પણ વ્યવસ્થિત રાખવામાં આવશે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા આયોજનને પણ આવરી લેવાયું છે જેથી નાગરિકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે.
પોરબંદર મહાનગરપાલિકા વિસ્તાર ના વોર્ડ નં 3 ના સાંઈ બાબા મંદિર પાછળ ના વિસ્તાર, ગ્લોબલ સ્કૂલ પાછળ ના વિસ્તાર,ધનલક્ષ્મી સોસાયટી, પરેશ નગર વિસ્તાર,મહાવીર સોસાયટી, જગગનાથ સોસાયટી, નિધિ પાર્ક ૫,સીતારામ નગર,બાપુનગર વિસ્તારના કન્સ્ટ્રક્શન ઓફ એક્ઝિસ્ટીંગ ડેમેજ રોડ બાય એક્ષકેવેશન ઈન વેરીયસ ઈન પોરબંદર કોર્પોરેશનના રુ.11.18 કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરાયું છે
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા, પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ગાંગાભાઈ ઓડેદરા, અગ્રણી સર્વ અશોકભાઈ મોઢા,શૈલેષભાઈ જોષી, ઉષાબેન સીડા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya