
જામનગર, 18 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર તાલુકાના અલીયા ગામમાં બી.એસ.એન.એલ.ના લેન્ડલાઈન ફોનનો કોપર કેબલ 33 મીટર રૂ.35 હજારની કિંમતનો ચોરીની ફરિયાદનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખીને બે શખસોને ઝડપી લીધા છે. ચોરીનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
અલીયા ગામમાં બાપા સીતારામ ચોક પાસે ગટરની લાઈન માટેના ખોદકામ દરમિયાન બી.એસ.એન.એલ.ના લેન્ડલાઈન ફોનનો બે ડેડ કોપર વાયર આશરે 90 મીટર જેટલો નીકળી ગયો હતો. તે કોપર વાયરમાંથી કોઈ અજાણ્યો શખસ 400 પેરના કોપર કેબલમાંથી આશરે 25 મીટર જેટલો અને 100 પેર કોપર કેબલમાંથી આશરે 8 મીટર જેટલો મળીને કુલ 33 મીટર રૂ.35 હજારની કિંમતની ચોરી કરી ગયા હતા. જે અંગેની બીએસએનએલના કર્મચારી સંજય મહાદેવ ચેમટે (ઉ.વ.54)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના ગણતરીના કલાકોમાં જ પંચકોશી એ ડિવિઝનના નિર્મલસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા અને કમલેશભાઈ ખીમાણીયાને મળેલી બાતમીના આધારે પીઆઈ એમ.એન. શેખની સૂચનાથી પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો.
બે શખસોને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. જેમાં અલીયાગામના રહેવાસી અને કોન્ટ્રાકટર મયુર ભાણાભાઈ વીરડા અને જગદિશ ઉર્ફે જગો જલાભાઈ રાઠોડને ઝડપી લીધા છે અને તેના કબજામાંથી કેબલ વાયરનું કોપર રૂ.35000નું કબજે કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરિયાદના ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખ્યો છે અને અન્ય કોઈ સંડોવણી છે કે કેમ..? તે અંગેની પુછપરછ હાથ ધરી છે. આ બનાવથી અલીયા ગામમાં ચકચાર મચી જવા પામી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt