



પોરબંદર, 18 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રીએ ગ્રામતલના પડતર પ્રશ્નો તેમજ જિલ્લામાં ચાલી રહેલા અને આગામી સમયમાં આયોજિત વિકાસકાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
બેઠકમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકાર્યોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને ગ્રામતલના પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. મંત્રીએ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કસ્તુરબા બાલિકા વિદ્યાલય અને મોડલ સ્કૂલના નિર્માણમાં અવરોધરૂપ બનતા જમીન ફાળવણીના પ્રશ્નોને પ્રાથમિકતા આપી ત્વરિત ઉકેલવા જણાવ્યું હતું. જમીન માપણીની પડતર અરજીઓ અને વાંધા અરજીઓના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તેનો સત્વરે નિકાલ કરવા મંત્રીએ તાકીદ કરી હતી.
વધુમાં, મંત્રીએ પર્યાવરણની જાળવણી માટે જિલ્લામાં વનીકરણનો વ્યાપ વધારવા અને રસ્તાની માપણી કરી ચોક્કસ માઈલસ્ટોન નક્કી કરી સઘન વૃક્ષારોપણ કરવા સૂચના આપી હતી. મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાના કામોની ગુણવત્તા અને ગતિ વધારવા પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું એ અધિકારીઓની નૈતિક જવાબદારી છે. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ પોરબંદરમાં રાજ્યપાલના સંભવિત પ્રવાસ, ગ્રામ મુલાકાત અને રાત્રિ નિવાસના આયોજન અંગે વિગતો આપી હતી. કલેક્ટર કોન્ફરન્સમાં ચર્ચાયેલા મહત્વના મુદ્દાઓ જેવા કે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવું, ગ્રામ કલ્યાણ કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ અને વીજળી વપરાશ પર અંકુશ મેળવવા બાબતે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વધુમાં કલેકટરએ આરોગ્ય, શિક્ષણ, પોષણ સહિતની જરૂરી સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ સાથે 26 જાન્યુઆરીના જિલ્લા કક્ષાના કાર્યક્રમના સુચારૂ આયોજન, સોશિયલ મીડિયા પર. યોજનાકીય પ્રચાર તેમજ ઈ-સરકાર પર વધુ એક્ટિવ થવા જરૂરી સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, પોરબંદર મહાનગર પાલિકા કમિશનર એચ.જે.પ્રજાપતિ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, નાયબ કલેક્ટર એન.બી.રાજપૂત, જિલ્લા આયોજન અધિકારી જે.સી.ઠાકોર, પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ.વાઘાણી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya