
સોમનાથ,19 જાન્યુઆરી (હિ.સ.) પ્રભાસપાટણ સ્થિત વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિક ફોટોગ્રાફર પરિવારો દ્વારા પરંપરાગત અને ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સોમનાથ મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કરી રોજી-રોટી કમાવતા 150થી વધુ પરિવારોની આ સામૂહિક શ્રદ્ધા માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત ન રહી, પરંતુ એકતા, સમર્પણ અને જીવનજરૂરિયાત સાથે જોડાયેલી આસ્થાનું જીવંત ઉદાહરણ બની.
આ ધાર્મિક પ્રસંગે અવધુતેશ્વર મંદિરથી સોમનાથ મંદિર સુધી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલે, ભક્તિગીતો અને મહાદેવના જયઘોષ સાથે આગળ વધતી યાત્રામાં ફોટોગ્રાફર પરિવારો, તેમના પરિવારજનો, તેમજ સોમનાથ મંદિર આસપાસ રોજગાર મેળવનારા પાથરણાવાળા અને ચોપાટી વિસ્તારના વેપારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર માર્ગ પર ભક્તિભાવ અને ઉત્સવનું અનોખું વાતાવરણ સર્જાયું હતું.
સોમનાથ ફોટોગ્રાફર એસોસિએશનના ઉપપ્રમુખ ભરત બામણિયાએ જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી ફોટોગ્રાફરો પોતાની રોજગારીમાંથી ફંડ એકત્ર કરી આ ધાર્મિક આયોજન કરે છે. “સોમનાથ મહાદેવ અમારી આસ્થા સાથે સાથે અમારી રોજીરોટીનો આધાર છે. તેથી મહાદેવના ચરણોમાં ધ્વજા અર્પણ કરી વિશ્વના કલ્યાણ અને અમારા વ્યવસાયમાં સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ છીએ,” તેમ તેમણે જણાવ્યું.
આ કાર્યક્રમમાં ફોટોગ્રાફરો ના આમંત્રણ ને માન આપી જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય તેમના ધર્મપત્ની સાથે સોમનાથ ખાતે ધ્વજારોહણ ના પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સોમનાથ ફોટો ગ્રાફર એસો. ની આ પ્રવૃત્તિ ને બિરદાવી હતી. આ ઉપરાંત સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓ, પ્રભાસ પાટણ પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો. ધ્વજાપૂજા બાદ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે કાર્યક્રમ પૂર્ણ થયો. વ્યવસ્થા, શોભાયાત્રા, પૂજાવિધિ અને સુરક્ષા સહિત દરેક પાસું સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું.
સોમનાથ મહાદેવના ધ્વજારોહણનો આ કાર્યક્રમ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ સ્થાનિક ફોટોગ્રાફર સમુદાય માટે આસ્થા અને રોજગારના અદભૂત સંગમનું પ્રતીક છે. દર વર્ષે વધતા ઉત્સાહ અને ભાગીદારી સાથે આ પરંપરા સોમનાથની ધાર્મિક અને સામાજિક ઓળખને વધુ મજબૂત બનાવતી જાય છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ