
ગીર સોમનાથ, 19 જાન્યુઆરી (હિ.સ.) : ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત અને સંસ્કારોનું સિંચન નવી પેઢીમાં છેલ્લા ૨૦ વર્ષથી કરી રહેલ ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત અને ઉદ્ઘાટિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ વિવિધ શૈક્ષણિક સિદ્ધિઓને પ્રાપ્ત કરી ભારતની ૧૮ સંસ્કૃત યુનિવર્સિટીઓમાં આજે એક મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે જ આ ૨૦ વર્ષની યાત્રા દરમિયાન યુનિવર્સિટીએ UGC 12(B), 2(f) અને NAAC A+ ગ્રેડ જેવી વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી પોતાના ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “આ યુનિવર્સિટી માત્ર વ્યક્તિનિર્માણ નહીં પરંતુ ભાવી પેઢીના નિર્માણ માટેનું કેન્દ્ર છે” વાક્યને સાર્થક કર્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માત્ર રાજ્ય સ્તરે જ નહીં પરંતુ અખિલ ભારતીય સ્તરે પણ સંસ્કૃત ભાષણ, શલાકા, યોગાસન જેવી વિવિધ સ્પર્ધાઓમાં ટોચનું પ્રદર્શન કરી યુનિવર્સિટી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત માધ્યમમાં શાસ્ત્રી, આચાર્ય, શિક્ષાશાસ્ત્રી, વિદ્યાવારિધિ અને ડિપ્લોમા જેવા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જેમાં સમગ્ર ગુજરાતની ૩૮ સંસ્કૃત મહાવિદ્યાલયો યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળનો ૧૮મો દીક્ષાન્ત સમારોહ તા.૨૦-૦૧-૨૦૨૬ને મંગળવારે સવારે ૧૧:૩૦ કલાકે યુનિવર્સિટી કેમ્પસ પર આયોજિત થનાર છે. આ દીક્ષાન્ત સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને અત્રેની યુનિવર્સિટીના કુલાધિપતિ દેવવ્રત આચાર્ય અધ્યક્ષરૂપે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં સ્વામીનારાયણ શોધ સંસ્થાન, અક્ષરધામ, દિલ્લીના નિયામક મહામહોપાધ્યાય પ્રો.ભદ્રેશદાસ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે તેમજ સારસ્વત અતિથિ તરીકે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્લીના કુલપતિ પ્રો.મુરલી મનોહર પાઠક, વિશિષ્ટ અતિથિ રૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કુલપતિ પ્રો.ઉત્પલ જોશી તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ અતિથિરૂપે ઉપસ્થિત રહેશે. અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાંત કુમાર સેનાપતિ સ્વાગતકર્તારૂપે અને કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરા આમંત્રકરૂપે તેમજ યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સીલ, એકેડેમિક કાઉન્સીલના સભ્યો, સંલગ્ન મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યો વગેરે મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-૩૬૩, શાસ્ત્રી-શિક્ષાશાસ્ત્રી (બી.એ.બી.એડ.)-૨૦, આચાર્ય (એમ.એ.)-૨૪૬, પી.જી.ડી.સી.એ.-૨૦૮, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-૫૪ અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-૧૧ મળીને કુલ ૯૦૨ ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. આ દીક્ષાન્ત સમારોહમાં કુલ ૨૫ ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને ૦૬ સિલ્વરમેડલ (રજત પદક) એમ કુલ મળીને ૩૧ જેટલા પદકો પણ એનાયત કરવામાં આવશે. આ સાથે વિશેષમાં શ્રી ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ, જુનાગઢ તથા અત્રેની યુનિવર્સિટી વચ્ચે થયેલ એમઓયુ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતનાં સંસ્કૃત વિદ્વાન શ્રી હરિપ્રસાદ યાદવરાય બોબડેને સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૬ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. છાત્રોત્કર્ષ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત શોધાર્થી ગણેશ હેગડેને ‘शोधविभूषणम्’ નામથી શ્રેષ્ઠ પીએચ.ડી. મહાશોધપ્રબંધ પુરસ્કાર-૨૦૨૬ અને સ્વ. મણીશંકર જીવણરામ પંડ્યા પુરસ્કાર રાશિ પણ એનાયત કરવામાં આવશે, એમ કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરાએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ