
પોરબંદર, 02 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદરમાં સાયબર ફ્રોડના નાણા માટે એકાઉન્ટ ભાડે આપવાના ગુન્હામાં આરોપીને શરતી જામીન મળ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ ફ્રોડ રોકવા તેમજ બનતા અટકાવવાના હેતુથી ચાલી રહેલ ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી મુજબ સાયબર ક્રાઇમ ફ્રોડમાં ઉપયોગમાં આવતા એકાઉન્ટ ધારકોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોરબંદરમાં સાયબર ક્રાઇમ ફ્રોડમાં ઉપયોગમાં આવેલ બેન્કના મ્યુલ એકાઉન્ટસ વેરીફાઇ કરવાની કામગીરી દરમ્યાન આરોપી જીગર મધુભાઇ શીયોરાના બેન્ક એકાઉન્ટમાં થયેલ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયેલ હોવા અંગે તથા સાયબર ફ્રોડની રકમ મેળવી આવી રકમ ઉપાડવા માટે ગયેલ હોવાનું તેમજ ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરીના ભાગરૂપે તપાસ દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસને આ એકાન્ટ કુલ છ સાયબર ક્રાઇમ કમ્પ્લેઇન સાથે રૂા. 7,50,000ની રકમના સાયબર ક્રાઇમ ફ્રોડ સાથે નોંધાયેલ હોવાનું જણાઇ આવતા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપી જીગર મધુભાઇ શીયોરા સામે બી.એન.એસ.ની કલમ તથા આઇ.ટી.એકટની કલમ મુજબ ગુન્હો નોંધી આરોપીને ધોરણસર અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ હતો.
ત્યારબાદ આરોપી દ્વારા પોરબંદરના વકીલ એમ.જી. શીંગરખીયાને રોકી જામીન પર મુકત થવા માટે જામીન અરજી કરવામાં આવેલી હતી. જે જામીન અરજીની સુનવણી હાથ ધરવામાં આવતા સરકારપક્ષે સરકારી વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવેલી હતી કે આરોપીએ સમાજ અને સામાજિક વ્યવસ્થાને સ્પર્શતો ગંભીર પ્રકારનો ગુન્હો દાખલ કરેલ છે, આરોપીએ સાયબર ક્રાઇમ ફ્રોડમાં પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા થયેલ રકમ ઉપાડી લઇ સગેવગે કરી સીધી અને પ્રત્યક્ષ રીતે મદદગારી કરેલ છે, આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો આરોપી ટ્રાયલ સમયે કોર્ટમાં હાજર રહેશે નહી તેમજ નાશી ભાગી જશે. જેથી આરોપીને જામીન મુકત ન કરવા અરજ કરેલી, ત્યારબાદ સામાપક્ષે આરોપીના વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવેલી હતી કે આરોપી તદ્ન નિર્દોષ છે, તેમને ખોટી રીતે આ ગુન્હાના કામે સંડોવી દેવામાં આવેલ છે, અરજદાર સામે ડાયરેકટ ફ્રોડ કરેલ હોય તેવો કોઇ આક્ષેપ રહેલ નથી, અરજદાર પોરબંદરના સ્થાનિક રહીશ છે કયાંય નાશી ભાગી જાય તેમ વ્યક્તિ નથી, તેમજ ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ રીફર કરી આરોપીને જામીન મુકત કરવા વિગતવાર દલીલો સાથે અરજ કરેલી.
ત્યારબાદ બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોરબંદરના એડીશ્નલ સેસન્સ જજે આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપી જીગર મધુભાઇ શીયોરાને જામીન મુકત કરવાનો હુકમ અદાલતમાં જાહેર કરેલ હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya