
ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 20 જાન્યુઆરી (હિ.સ.). પાકિસ્તાનના સિંધ પ્રાંતની રાજધાની કરાચીમાં ગુલ શોપિંગ પ્લાઝામાં લાગેલી આગને 36 કલાક પછી કાબુમાં લેવામાં આવી. આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા છવીસ લોકોના મોત થયા. તેમાંથી ફક્ત 18 લોકોની ઓળખ થઈ છે, જેમાં ફાયર ફાઇટર ફુરકાનનો પણ સમાવેશ થાય છે. 76 થી વધુ લોકો ગુમ છે. સિંધ સરકારે એમએ જિન્ના રોડ પર સ્થિત, આ શોપિંગ પ્લાઝાને તોડી પાડવાનો નિર્ણય લીધો છે.
આ માહિતી દુનિયા ન્યૂઝમાં પ્રકાશિત થઈ હતી. આ વિનાશક આગમાં બહુમાળી પ્લાઝાનો મોટાભાગનો ભાગ તૂટી પડ્યો હતો. એવી ચિંતા છે કે, બાકીની ઇમારત ગમે ત્યારે તૂટી શકે છે. કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. કરાચી કમિશનરની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. મૃતદેહોની ઓળખ માટે કરાચી યુનિવર્સિટીની લેબમાં ડીએનએ નમૂના મોકલવામાં આવ્યા છે. પોલીસ સર્જન ડૉ. સામિયાએ જણાવ્યું હતું કે, ડીએનએ ક્રોસ-મેચિંગ દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવશે.
ફાયર વિભાગના ઇન્ચાર્જ હુમાયુ અહેમદે જણાવ્યું હતું કે, પ્લાઝામાં લાગેલી આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ છે અને કુલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે રાત્રે લાગેલી આગ 33 કલાક સુધી સળગી રહી હતી. પાકિસ્તાન નેવી, સિંધ રેન્જર્સ, કેએમસી, રેસ્ક્યુ સિંધ અને સ્વયંસેવકોએ ગુલ પ્લાઝામાં આગ બુઝાવવા અને બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો.
સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં કુલ 26 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 22 લોકો સામાન્ય રીતે દાઝી ગયા છે અને હવે ઘરે પરત ફર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે 65 લોકો હજુ પણ ગુમ છે. મુરાદ અલી શાહે જણાવ્યું હતું કે, આગ બુઝાવવામાં આશરે 200 અગ્નિશામકોએ ભાગ લીધો હતો. પ્રાંતીય મંત્રી સઈદ ગની, કરાચીના મેયર, ડેપ્યુટી મેયર અને વરિષ્ઠ અધિકારીઓ બચાવ કામગીરી દરમિયાન ઘટનાસ્થળે હાજર હતા. મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે, સલામતીના કારણોસર આખી ઇમારત તોડી પાડવી પડી શકે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મૃત્યુઆંક 50 થી 60 ની વચ્ચે હોઈ શકે છે, કારણ કે ઘણા ગુમ થયેલા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ઘણા મૃતદેહો હજુ સુધી મળી આવ્યા નથી. આ પ્લાઝામાં 1,200 થી વધુ દુકાનો હતી, જેના કારણે મોટી સંખ્યામાં વેપારીઓ અચાનક બેરોજગાર થઈ ગયા. મુરાદ અલી શાહે જણાવ્યું હતું કે પુનર્વસન માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે પુષ્ટિ આપી હતી કે, આગનું કારણ નક્કી કરવા માટે ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. મુખ્ય સચિવને ઔપચારિક રીતે તથ્ય શોધ સમિતિ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો જરૂરી હોય તો ન્યાયિક તપાસનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ