
પાટણ, 03 જાન્યુઆરી (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી ગૌ આધારિત ઉદ્યોગો સંબંધિત સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ કોર્સ યુનિવર્સિટી સંલગ્ન પીલુડા આર્ટસ કોલેજ ખાતે શરૂ કરવામાં આવશે.
યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર પોરિયાએ જણાવ્યું કે, યુનિવર્સિટીએ ગૌ વિશ્વ વિદ્યાપીઠમ અને જીસીસીઆઈ સાથે એમઓયુ કર્યા છે. આ કરારનો મુખ્ય હેતુ ગાયના દૂધ અને ગૌ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા આર્થિક ઉપાર્જન કરતા લોકો સુધી યુનિવર્સિટીની શૈક્ષણિક પહોંચ વધારવાનો છે.
આ સંદર્ભે ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ અને રોજગારીની તકો વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો. સેમિનારનો ઉદ્દેશ્ય ગોપાલકો અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ગ્રામ્ય સ્તરે ગૌ આધારિત ઉદ્યોગોની વિવિધ શક્યતાઓ વિશે માહિતગાર કરવાનો હતો.
યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું કે, શિક્ષણ દ્વારા યુવાનોને માત્ર નોકરી શોધનાર નહીં પરંતુ સ્વરોજગારી માટે સક્ષમ બનાવવાનું તેનું મુખ્ય લક્ષ્ય છે. આ પહેલથી ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોના લોકોનું આવક સ્તર અને જીવનધોરણ સુધરી શકે તેમ છે.
આ ઉપરાંત, આગામી શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટી કક્ષાએ એમ.એ. ગુજરાતી અભ્યાસક્રમ શરૂ કરવાની સાથે વડાલી કેમ્પસ ખાતે એમ.એસ.સી. કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર એજ્યુકેશન અને આઈ.ટી.ના અભ્યાસક્રમો શરૂ કરવાની પણ તૈયારી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ