
અમરેલી, 03 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના ખીજડીયા ગામની પ્રાથમિક શાળામાં પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ “મિશન સ્માઈલ” અભિયાન અંતર્ગત બાળકો માટે મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં શાળાના નાના-નાના વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્પર્શ (ગુડ ટચ) અને અસુરક્ષિત સ્પર્શ (બેડ ટચ) વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન બાળકોને દૈનિક જીવનમાં થતા વિવિધ સ્પર્શોના ઉદાહરણો આપી સમજાવાયું કે કયો સ્પર્શ સુરક્ષિત છે અને કયો અસુરક્ષિત. સાથે જ, કોઈપણ અસહજ સ્થિતિમાં ડર્યા વગર માતા-પિતા, શિક્ષક અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિને તાત્કાલિક જાણ કરવાની સલાહ આપવામાં આવી. બાળકોને “ના” કહેવાની હિંમત, પોતાની સુરક્ષા માટે સચેત રહેવાની આદત અને આત્મવિશ્વાસ વિકસાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
પોલીસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે બાળકોની સુરક્ષા સર્વોપરી છે અને શરૂઆતથી જ યોગ્ય માર્ગદર્શન મળવાથી બાળકો ખોટી ઘટનાઓથી બચી શકે છે. શાળા પરિવારજનોએ પણ આ પહેલને આવકાર આપ્યો અને ભવિષ્યમાં આવા જાગૃતિ કાર્યક્રમો સતત યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આ કાર્યક્રમથી બાળકોમાં જાગૃતિ વધવાની સાથે માતા-પિતા અને શિક્ષકોમાં પણ બાળકોની સુરક્ષા અંગે વધુ સંવેદનશીલતા વિકસે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai