

ગાંધીનગર, 03 જાન્યુઆરી (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના 3084 ડ્રાઇવર અને 1658 હેલ્પર કક્ષાના ઉમદવારોને ગાંધીનગરમાં નિમણૂંકપત્ર એનાયત કર્યા હતા.
નિમણૂંક પત્ર એનાયત સમારોહના અધ્યક્ષસ્થાનેથી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માર્ગ વાહન વ્યવહાર નિગમની બસોના ડ્રાઈવર્સ છેવાડાના માનવી સુધી પહોંચે છે. એટલે આ બસ ચાલકો સલામત સવારીની સાથે સમયપાલનની મોટી જવાબદારીનું વહન કરીને રાજ્ય સરકારની ઇમેજ ઘડનારા મહત્વપૂર્ણ અંગ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ નાનામાં નાના માનવી સુધી રોડ-રસ્તા, વીજળી-પાણી, આરોગ્ય સેવા, બસ સેવા જેવી પાયાની સુવિધાઓ પહોંચે તેવો વિકાસ સુનિશ્ચિત કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી નિમણૂંક પામેલા ઉમેદવારોને રાજ્યની પરિવહન વ્યવસ્થાના પ્રહરી ગણાવ્યા હતાં. આ અંગે તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની વાહન વ્યવહાર વ્યવસ્થાનો કાયાપલટ કર્યો અને જરીપુરાણી જૂની બસોમાંથી એસી વોલ્વો જેવી બસો આજે નાગરિકોની સેવામાં કાર્યરત કરી છે. રાજ્ય સરકારે વાહન વ્યવહારમાં જે આધુનિક સુવિધાઓ ઊભી કરી છે તેને સારી રીતે સાચવવાની મહત્વની જવાબદારી બસ ડ્રાઈવર્સ અને હેલ્પર્સના શિરે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નાગરિકો એસ.ટી. ડ્રાઇવરોના ભરોસે નિશ્ચિંત થઈને મુસાફરી કરે છે. નાગરિકોને સમયસર ગંતવ્યસ્થાન સુધી પહોંચાડીને સરકારી સેવાની સાથે સામાજિક દાયિત્વ નિભાવવાનું પણ કાર્ય આ બસચાલકો કરે છે. એટલે કે સામાન્ય માનવીના જીવન સાથે સંકળાયેલા બસ ચાલકો તન-મનથી સ્વસ્થ રહે તે જરૂરી છે તેવો અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, ગમે તે પરિસ્થિતિમાં સ્વસ્થ રહીને, માનસિક સંતુલન જાળવીને ફરજ બજાવવી જરૂરી છે. આ માટે પોઝિટીવિટીથી કાર્યરત રહીને તેમજ જીવનમાં કોઈપણ પરિસ્થિતિમાં બેલેન્સ રાખવાની સજ્જતા કેળવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, આજે જીપીએસ સહિતની સુવિધાઓથી સજ્જ બસોનું ટ્રેકિંગ નાગરિકો મોબાઈલના માધ્યમથી કરી શકે છે. આથી જેમના માટે આ બસો ચાલી રહી છે તે નાગરિકોની સમયબદ્ધતા જળવાય તેની કાળજી પણ બસચાલકોએ રાખવાની છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રીએ જન સારથિ ડ્રાઇવિંગ સ્કૂલનો શુભારંભ પણ કરાવ્યો હતો.
રાજ્યના નાગરિકોની સુખાકારી માટે ૩૬૫ દિવસ અને ૨૪ કલાક કાર્યરત વિભાગોના કર્મચારીઓને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જ્યારે આખું જગત તહેવારો ઉજવતું હોય છે, ત્યારે ગુજરાતના કેટલાક વિભાગો એક મિનિટ માટે પણ અટકતા નથી. તેમણે ગર્વ સાથે કહ્યું કે હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને વીજળી વિભાગની જેમ એસ.ટી. નિગમના સૌ કર્મચારીઓની સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ અને ૨૪ કલાક કાર્યરત રહે છે. રાત-દિવસ, ઠંડી, ગરમી કે વરસાદ જોયા વિના કામ કરતા આ કર્મયોગીઓની મહેનત જ ગુજરાતના સુશાસનનો સાચો આધારસ્તંભ છે અને તેમની અવિરત જનસેવાની જ્યોતને તેમણે મંચ પરથી દિલથી સેલ્યુટ કરી હતી.
રાજ્ય સરકારની કાર્યક્ષમતા પર પ્રકાશ પાડતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પર કક્ષાના નવનિયુક્ત ઉમેદવારોની આ ભરતી પ્રક્રિયા દ્વારા નિગમને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.
પરિવહન ક્ષેત્રે ભવિષ્યના લક્ષ્યાંકો નિર્ધારિત કરતા સંઘવીએ જણાવ્યું કે, દૈનિક અંદાજિત 24 લાખ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડતા એસટી નિગમે વર્ષ 2025 સુધી 27 લાખ મુસાફરોને સેવા પૂરી પાડવા એક લક્ષ્યાંક નક્કી કર્યો હતો. એસ.ટી. નિગમ દ્વારા નિર્ધારિત સમયમાં દૈનિક 27 લાખ મુસાફરોને સેવા આપવા કરેલો લક્ષ્યાંક સિદ્ધ કરી દીધો છે તે ગર્વની વાત છે. હવે 2027 સુધીમાં આ લક્ષ્યાંકને વધારીને 30 લાખ સુધી પહોંચાડવાનો સરકારનો સંકલ્પ છે. એક અભ્યાસ મુજબ આ લક્ષ્યાંક સિધ્ધ થશે તો હાઈવે લોડમાં તો ઘટાડો થશે જ, સાથે સાથે જાહેર માર્ગો પર ફરતા ફોર વ્હીલર અંદાજે 25 હજાર અને ટુ વ્હીલર અંદાજે 1 લાખ ઘટશે, જે પ્રદૂષણની સાથે સાથે ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઉપરાંત, હાલમાં 9 લાખ વિદ્યાર્થીઓ એસ.ટી. બસોનો લાભ લઈ રહ્યા છે, જેને વધારીને 10 લાખ સુધી લઈ જવાનું લક્ષ્ય છે. જો આપણે 10 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીશું, તો વધુ એક લાખ પરિવારોને સીધી મદદ મળશે અને તે એક લાખ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આપણું યોગદાન ઉમેરશે.
૨૦૨૫માં એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલા કાર્યોથી માહિતગાર કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, માત્ર એક વર્ષમાં ૧૭૧૪ નવી નક્કોર બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. જેમાં 962 સુપર એક્સપ્રેસ, 272 સેમી લક્ઝરી, 350 મિડી બસો તથા 30 વોલ્વો અને 100 એસી બસોનો સમાવેશ થાય છે. આ સાથે જ મુસાફરોની સુવિધા માટે 2025 માં 27 નવા બસ સ્ટેન્ડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ભવિષ્ય માટે ૨૯ નવા કામોના ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યા છે. તેમણે તમામ કર્મચારીઓને બસો અને બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા જાળવવા પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે પ્રતીક રૂપે ચાર ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ