
ગીર સોમનાથ, 03 જાન્યુઆરી (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિવિધ રસ્તાઓના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ રસ્તાઓના નવીનીકરણની કામગીરી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના ધામળેજ બંદરના એપ્રોચ રોડને ડામરથી મઢવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, સૂત્રાપાડા તાલુકા વિવિધ ગામડાઓને જોડતા રસ્તાઓ અને બિસ્માર રસ્તાઓના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જેમાં મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રસ્તાઓ બનાવવામાં આવી રહ્યાં છે.
સૂત્રાપાડાના ધામળેજ ગામના બંદરને જોડતા એપ્રોચને ડામરથી મઢવામાં આવ્યો છે. આ રસ્તાની લંબાઇ ૮ કી.મી. છે અને અંદાજિત રૂ.૧૭.૫૦ લાખના ખર્ચે આ રસ્તાનું નવીનીકરણ થયું છે. ધામળેજ બંદરના એપ્રોચ રોડના નવીનીકરણથી બંદરના લોકો અને આસપાસના ગ્રામજનોને લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ