
ગીર સોમનાથ 3 જાન્યુઆરી (હિ.સ.) ગ્રામજનોને કચેરી સુધી આવવુ ન પડે તે માટે જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે વેરાવળ તાલુકાના રામપરા ખાતે રાત્રિસભા યોજાઈ હતી. જેમાં નાગરિકોએ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી.
રાત્રિસભામાં નાગરિકોએ વાડી-વિસ્તારના રસ્તાઓ, નવા મકાનમાં પશુ દવાખાનું કાર્યરત કરવા અંગે, સ્મશાનના રસ્તાઓમાં પાણી ભરાવા અંગે, વાહનોના કારણે ધૂળ ઉડવાથી ઉદભવતી આરોગ્ય સમસ્યાઓ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. તમામ ગ્રામજનોની રજૂઆત સાંભળી અને કલેકટરએ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સમસ્યાઓના સમાધાન માટે પગલાઓ લેવા સૂચન કર્યું હતું.
કલેક્ટરએ શાળાની કામગીરી બીરદાવી અને વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, મધ્યાહ્નભોજન યોજનામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, શાળામાં નિયમિત આરોગ્ય તપાસણી સહિતના મુદ્દે માર્ગદર્શિત કર્યા હતાં.
વધુમાં કલેક્ટરએ પી.એમ.જે.એ.વાય કાર્ડની રિન્યૂઅલ પ્રક્રિયા, હાઈરિસ્ક ધરાવતી ધાત્રીમાતાઓ, કુપોષિત અને અતિ કુપોષિત બાળકો, એફ.પી.એસ. અંતર્ગત અન્ન વિતરણની જાણકારી મેળવીને ખેડૂતોને મળતા પાકધિરાણ, વ્યાજસહાય યોજના વિશે ખેડૂતોને અવગત કર્યા હતાં.
આચાર્ય કાનાભાઈએ રામપરા પ્રાથમિક શાળાની સ્વચ્છતાલક્ષી કામગીરી અંતર્ગત સ્વચ્છ શાળા એવોર્ડ, પ્લાસ્ટિક નાબૂદી અભિયાન, તમાકુ મુક્ત પરિસર, જ્ઞાનસેતુ પરીક્ષા, ખેલ મહાકુંભની સિદ્ધિઓ સહિત શિક્ષણક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવી હતી.
કલેકટરના હસ્તે 'પ્લાસ્ટિક મુક્ત પરિસર' બદલ શાળા પરિવારને પ્રમાણપત્ર આપી અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થઈ અને બી.એસ.એફમાં પસંદગી પામનાર રામપરાના જાદવ રેખાબેનનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ રાત્રિસભામાં પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) અજય શામળા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામીબહેન વાજા, એસ.એમ.સી સમિતિના સભ્યો, ગ્રામ્ય મામલતદારશ્રી સહિત ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ