
ગીર સોમનાથ, 3 જાન્યુઆરી (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૩/૦૧/૨૦૨૬ના રોજ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપની લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પરીક્ષાના દિવસે સવારે ૧૧.૦૦થી ૧૬.૦૦ કલાક સુધી પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યાં છે.
આ પરીક્ષા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે પરિક્ષાર્થીઓ નિર્ભિક રીતે શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનાં સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરમશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડસ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનાં ઉપયોગ પર, ૧૦૦ મીટરની ત્રિજયામાં ૪ કે તેથી વધુ માણસોનાં એકઠા થવા પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેનાં ઉપયોગ પર તથા પરીક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘનકરનારને ભારતીય ન્યાયસંહિતા-૨૦૨૩નીકલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓ તથા પરીક્ષાના સંચાલન સાથે સંકળાયેલા સંબંધિત ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ