
અમરેલી, 03 જાન્યુઆરી (હિ.સ.) મતક્ષેત્ર જામકા મુકામે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત નિર્માણ પામેલી શ્રી જામકા માધ્યમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાળાના નિર્માણથી હવે જામકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોને માધ્યમિક શિક્ષણ માટે દૂર જવું નહીં પડે અને ગામ સ્તરે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ બનશે.
આ અવસરે જણાવાયું કે બાળકોને પ્રાથમિક સાથે માધ્યમિક શિક્ષણ પણ ગ્રામ્ય વિસ્તારોમાં સરળતાથી મળી રહે તે માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા દ્રઢ પ્રતિબદ્ધતા સાથે કામ કરવામાં આવી રહ્યું છે. શાળા નિર્માણ જેવી પહેલો દ્વારા શિક્ષણ ક્ષેત્રે સમાનતા અને તકની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ વિસ્તારના જન પ્રતિનિધિ તરીકે ગુજરાત સરકાર પ્રત્યે સહહૃદય આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને શિક્ષણને પ્રાથમિકતા આપતી આ પહેલનું સ્વાગત કર્યું.
નવી માધ્યમિક શાળાથી વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ, અનુકૂળ અભ્યાસ વાતાવરણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત આધાર મળશે. ગ્રામ્ય શિક્ષણને સશક્ત બનાવતી આ પહેલથી જામકા વિસ્તારના શૈક્ષણિક વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai