
જુનાગઢ, 03 જાન્યુઆરી (હિ.સ.) ભારત સરકારના યુવા કાર્ય અને રમતગમત મંત્રાલય સંચાલિત એન.એસ.એસ. રીજીયોનલ ડાયરેક્ટોરેટ અમદાવાદ તથા હૈદરાબાદના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન તેલંગાણા રાજ્યના હૈદરાબાદ સ્થિત એમ.એલ.આર. ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ખાતે સાત દિવસીય “રાષ્ટ્રીય એકતા શિબિર–૨૦૨૫” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની શિબિરમાં ભાગ લેવા માટે બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના તેજસ્વી એન.એસ.એસ. સ્વયંસેવક બીઢોલ ચિરાગ કુમારની વિશેષ પસંદગી કરવામાં આવી હતી.
આ શિબિરમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા એન.એસ.એસ. સ્વયંસેવકો સાથે રહીને ચિરાગ કુમારે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, દેશભક્તિ તથા વિવિધ પ્રદેશોની સંસ્કૃતિના આદાન-પ્રદાન સંબંધિત પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. શિબિર દરમિયાન યોજાયેલી ચર્ચાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા તેને રાષ્ટ્રીય સ્તરની અમૂલ્ય અનુભૂતિ પ્રાપ્ત થઈ હતી.
શિબિર સફળતાપૂર્વક પૂર્ણ કરી પરત ફરતા ચિરાગ કુમારનું પ્રિન્સિપાલ ડૉ. જે. આર. વાંઝા દ્વારા વિશેષ અભિવાદન કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ તકે આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરની આવી શિબિરો વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, અનુશાસન અને સામાજિક જવાબદારીના ગુણો વિકસાવે છે તથા તેમને દેશના જવાબદાર નાગરિક તરીકે ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે જ ચિરાગની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
શિબિર દરમિયાન પ્રાપ્ત થયેલા અનુભવો, રાષ્ટ્રીય એકતાનો ભાવ અને શિસ્તબદ્ધ જીવનના પાઠ અંગે ચિરાગ કુમારે અન્ય એન.એસ.એસ. સ્વયંસેવકોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે સમગ્ર કોલેજ પરિવાર દ્વારા તેની આ નોંધપાત્ર સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ