
અમરેલી, 03 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગામોમાં સુરક્ષા મજબૂત બનાવવા માટે સીસીટીવી કેમેરા સ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા સીસીટીવી કેમેરા કેવી રીતે અસરકારક સાબિત થાય છે તે અંગે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું કે ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળો, શાળા-કોલેજ, દુકાનોના વિસ્તારો અને પ્રવેશ-નિકાસ માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવાથી અસામાજિક તત્વો પર નજર રાખવી સરળ બને છે અને ગુનાહિત ઘટનાઓમાં ઘટાડો થાય છે. સરપંચો અને પદાધિકારીઓએ પોતાના ગામોમાં થયેલી સફળ પહેલો અને અનુભવો પણ શેર કર્યા.
આ પ્રસંગે જેમના ગામોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેવા સરપંચો તથા આ કાર્યમાં સહયોગ આપનાર દાતાઓને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. અધિકારીઓએ આ પહેલને અન્ય ગામો માટે પ્રેરણારૂપ ગણાવી વધુ ગામોમાં સીસીટીવી નેટવર્ક વિકસાવવાનો અનુરોધ કર્યો.
આ બેઠકથી ગ્રામ્ય વિસ્તારોમાં ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનશે અને પોલીસ તથા ગ્રામ પંચાયત વચ્ચે સંકલન વધુ સઘન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai