
પાટણ, 03 જાન્યુઆરી (હિ.સ.)નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા પાટણની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુરને શૈક્ષણિક વર્ષ 2025-26થી 8 વિષયોમાં કુલ 37 નવી MD/MS અનુસ્નાતક બેઠકો મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરીથી ઉત્તર ગુજરાતમાં તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે.
જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ છેલ્લા 14 વર્ષથી પાટણ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ તથા રાજસ્થાનના નજીકના વિસ્તારોના ગ્રામ્ય દર્દીઓ માટે મહત્વપૂર્ણ આરોગ્ય કેન્દ્ર બની છે. અહીં રોજના સરેરાશ 1500 OPD અને 200 IPD દર્દીઓ સારવાર મેળવે છે.
કોલેજમાં દર વર્ષે 200 MBBS વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. તબીબી શિક્ષણના વિસ્તરણ માટે કોલેજ દ્વારા અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરવાની દરખાસ્ત NMCને મોકલવામાં આવી હતી, જેને હવે સત્તાવાર મંજૂરી મળી છે.
મંજૂર થયેલી બેઠકોમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓબ્સ એન્ડ ગાયનેક, ENT, ઓર્થો, પેથોલોજી, એનેસ્થેસિયોલોજી અને સાયકિયાટ્રીનો સમાવેશ થાય છે. શૈક્ષણિક વર્ષ 2025-26થી પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાથી નિષ્ણાત તબીબોની ઉપલબ્ધતા વધશે અને જટિલ સારવાર સ્થાનિક સ્તરે શક્ય બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ