

પાટણ, 03 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઉત્તર-પૂર્વીય પવનોના કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે સવારે પાટણમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી હજી વધુ વધવાની શક્યતા વ્યક્ત કરી છે.
ઠંડી વધતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણાંનો સહારો લઈ રહ્યા છે અને ખાસ કરીને શહેરોમાં લાકડા તથા છાણાં વડે તાપણાં કરતા દૃશ્યો જોવા મળી રહ્યા છે.
શિયાળાની ઠંડી સાથે ગરમ વસાણાં અને ખોરાકની માંગમાં વધારો થયો છે. લોકો મેથીપાક, કચરિયું અને આદુપાક જેવી વસ્તુઓ સાથે સાથે સૂપ અને ગરમ ભોજનનો આનંદ લઈ રહ્યા છે, જ્યારે સાંજના સમયે ઠંડીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ