વાઈબ્રન્ટ કચ્છ જિલ્લાકક્ષાના પ્રોગ્રામનો મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે ગાંધીધામ ખાતે ભવ્ય શુભારંભ
ગાંધીધામ/ગાંધીનગર, 03 જાન્યુઆરી (હિ.સ.) : કચ્છના ગાંધીધામ ખાતે વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો હતો. વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમમાં કુલ ૩૩૪ MSME એકમો સાથે રૂ.૮૫૦૦ના કરોડના MoU સાઈન થયા હત
મંત્રી અર્જુન મોઢવાડિયા


ગાંધીધામ


ગાંધીધામ/ગાંધીનગર, 03 જાન્યુઆરી (હિ.સ.) : કચ્છના ગાંધીધામ ખાતે વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો હતો. વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમમાં કુલ ૩૩૪ MSME એકમો સાથે રૂ.૮૫૦૦ના કરોડના MoU સાઈન થયા હતા.

ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ કચ્છ કાર્યક્રમનો શુભારંભ કરાવતા વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કચ્છની ખમીરવંતી પ્રજાએ અનેક કુદરતી આફતોની પીડા વેઠીને આજે કચ્છને વિકાસનું કેન્દ્ર બનાવ્યું છે. સરકારના વિઝન અને કચ્છીઓની ખુમારી થકી કચ્છ ઔદ્યોગિક હબ બન્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશિતાથી એક પ્રદેશની કઇ રીતે કાયાકલ્પ થઇ શકે તેનું કચ્છ ઉદાહરણ છે.

કચ્છીઓ જે રીતે પડકારોને ઝીલનારી પ્રજા છે તે જ રીતે વડાપ્રધાનએ કચ્છના પડકારોને તકમાં પલાટાવીને કચ્છનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. પાણી, રોજગાર સહિતના મુદે એક સમયે પીડિત કચ્છ આજે અન્ય રાજ્યોના લોકોને રોજગારી આપી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસના રથને આગળ વધારતા કચ્છ આજે ટુરીઝમ, ખેતી તથા ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર બન્યું છે. કચ્છ રીન્યુએબલ એનર્જીનું હબ સાથે દેશનો ૪૦ ટકા કાર્ગો હેન્ડલ કરી રહ્યું છે. મંત્રીશ્રીએ આવનારા સમયમાં કચ્છ ઇલેકટ્રોનિક કમ્પોનન્ટના પીસીબીના નિમાર્ણ માટે, ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર, બ્લુ ઇકોનોમી જેવા ક્ષેત્રના વિકાસ માટે મુખ્ય કેન્દ્ર બની શકે તેમ હોય રોકાણકારોને તેમાં જોડાવવા હાકલ કરી હતી.

આ તકે ધોલેરાના વિકાસ વાત કરતા તેઓએ ઉમેર્યું હતું કે, પડકારોને તકમાં પરિવર્તન કરવું વડાપ્રધાનના વિઝનમાં છે. કોરાનાકાળમાં ગણતરીના દિવસોમાં વેક્સિન બનાવવાથી લઇને લોકોને આપવા સુધીની કામગીરી કરી ભારતે અન્ય દેશોને માત આપી હતી. આજે ભારત વેક્સિન હબ બન્યું છે. તે જ રીતે સેમિકન્ડટર, ઇલેકટ્રોનિક કમ્પોન્ટના પડકારને ઝીલીને તેના ઉત્પાદન માટે સજ્જ બનેલું ભારત આવનારા વર્ષોમાં આત્મનિર્ભર બની દુનિયામાં અગ્રેસર બનશે.

વન અને પર્યાવરણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે દરેક ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનવું પડશે. આ માટે કચ્છમાં ભરપૂર પોટેન્શિયલ હોવાથી ભારતના ભવિષ્યને નિમાર્ણ કરનાર ક્ષેત્રમાં રોકાણ માટે કચ્છમાં આવી સંપત્તિસર્જન કરવા આહવાન કર્યું હતું. આવનારો સમય એઆઇ, ક્વોન્ટમ ટેકનોલોજી તથા બાયો ટેક્નોલોજીનો હોવાથી આ ક્ષેત્રમાં વિકાસ માટે આધુનિક રિસર્ચ સેન્ટર, એક્સલન્સ લેબનું સહિતનું નિર્માણ કરી ગુજરાત સજ્જ બન્યું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, કચ્છનો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે. તેઓએ “ટકાઉ વિકાસ”ની વિભાવના અને પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે કચ્છમાં વલ્ર્ડ ક્લાસ નર્સરી બનાવવા જણાવ્યું હતું. કચ્છમાં ગ્રીન કવર વધારવાની આ ઝુંબેશમાં ઉદ્યોગો પણ જોડાય તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ધુરા સંભાળી ત્યારથી વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ હતી. આજે જિલ્લાકક્ષાએ તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે બદલ તેમણે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને કચ્છના ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસને આંદોલન બનાવીને ભૂકંપની પીડા સાથે પાણી, બેરોજગારીની સ્થિતિમાં કચ્છને બેઠું કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી કચ્છ અવિરત વિકાસ સાધી રહ્યું છે. માળખાગત સુવિધાઓ વધી, ઔદ્યોગિક વિકાસ, ટેકનોલોજી સાથે બંદરોનો વિકાસ થતાં કચ્છમાં રિવર્સ માઇગ્રેશન થઈ રહ્યું છે તેવું રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું.

હસ્તકલાના કચ્છી કારીગર પાબીબેનને યાદ કરતાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક સમયે હસ્તકલા અને ગૃહ ઉદ્યોગ આધારિત રોજગારી ધરાવતું કચ્છ હાલ ગુજરાતમાં ઉદ્યોગોનું હબ બનવા જઈ રહ્યું છે. વાઇબ્રન્ટ થકી કચ્છમાં કરોડોના રોકાણો થઈ રહ્યાં અને રોજગારીની તકો ઉભી થઈ છે તેમ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આર્થિક વિકાસ સાથે જ નૈતિક મૂલ્યો જાળવી રાખીને સાથોસાથ સામાજિક વિકાસને ધ્યાને રાખીને દેશના વિકાસમાં સહભાગી બનવા નાગરિકો અને ઉદ્યોગોપતિઓને રાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામમાં ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈવેન્ટ પાર્ટનર તરીકે જ્યારે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ વેન્યૂ પાર્ટનર તરીકે જોડાયા હતા. આ ઉપરાંત ફોકિયા અને કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન એ નોલેજ પાર્ટનર તરીકે સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ કેશુભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, પૂર્વ કચ્છ એસ.પી સાગર બાગમાર, ગાંધીધામ કમિશનર મનીષ ગુરવાની, જીઆરઆઇટીના જોઇન્ટ સીઇઓ સ્તુતિ ચારણ, એઆરએમ આશીષ ધાનીયા, ઈન્ડસ્ટ્રીઝના જોઈન્ટ કમિશનર કનક ડેર સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande