એવરેસ્ટર નિશા અને આઠ વર્ષની નિક્ષાએ, અરુણાચલથી મુંદ્રા સુધીની સાયકલ યાત્રા કરી પૂર્ણ
- “Pedal to Plant”ના સંદેશ સાથે સાત રાજ્યોમાં 64 દિવસ ફરી 4554 કિલોમિટર લાંબી સાયકલ યાત્રા કરી વડોદરા,03 ડિસેમ્બર (હિ.સ.) વડોદરાની બે દીકરીઓ એવરેસ્ટર નિશા તથા આઠ વર્ષીય નિક્ષાએ પેડલ ટુ પ્લાન્ટ, વૃક્ષો વાવવાના સંદેશ સાથે લાંબી સાયકલ યાત્રા પૂર્ણ
એવરેસ્ટર નિશા અને આઠ વર્ષની નિક્ષાએ અરુણાચલથી મુંદ્રા સુધીની સાયકલ યાત્રા કરી પૂર્ણ


- “Pedal to Plant”ના સંદેશ સાથે સાત રાજ્યોમાં 64 દિવસ ફરી 4554 કિલોમિટર લાંબી સાયકલ યાત્રા કરી

વડોદરા,03 ડિસેમ્બર (હિ.સ.) વડોદરાની બે દીકરીઓ એવરેસ્ટર નિશા તથા આઠ વર્ષીય નિક્ષાએ પેડલ ટુ પ્લાન્ટ, વૃક્ષો વાવવાના સંદેશ સાથે લાંબી સાયકલ યાત્રા પૂર્ણ કરી છે. આ બન્ને દીકરીઓએ અરુણાચલ પ્રદેશથી સાયકલ યાત્રા શરૂ કરી હતી અને 64 દિવસ સુધી સાત રાજ્યોના 100 થી પણ વધુ શહેરોમાં ફરી હતી. આટલા દિવસમાં તેઓ 4554 કિલોમિટરનું અંતર કાપી મુંદ્રા પહોંચ્યા હતા. જ્યાં તેમની યાત્રા પૂર્ણ થઇ છે.

આ અભિયાન દ્વારા દેશના ઇતિહાસમાં પ્રથમવાર લાંબી બહુ-રાજ્ય સાયકલિંગ યાત્રાને વ્યાપક સ્તરે વૃક્ષારોપણ સાથે સંકલિત કરી રાષ્ટ્રીય કક્ષાએ નવી દિશા સ્થાપિત કરવામાં આવી છે.

આ અભિયાન દરમિયાન ટીમે ભારતના સાત રાજ્યોમાંથી પસાર થઈ વિવિધ ભૂગોળીય અને હવામાન સંબંધિત પડકારોનો સામનો કર્યો હતો. પર્વતીય માર્ગો, અઘરા રસ્તાઓ, તીવ્ર હવામાન, જોરદાર પવન તથા લાંબા અંતરની શારીરિક કઠિનતાઓ વચ્ચે પણ ટીમે અડગ સંકલ્પ, શિસ્ત અને દેશપ્રેમની ભાવના સાથે આ યાત્રાને પૂર્ણ કરી છે.

અભિયાનના મુખ્ય ઉદ્દેશરૂપે સમગ્ર દેશમાં એક લાખથી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.

આ પ્રયાસ દ્વારા હવામાન પરિવર્તન સામે જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ, ફિટ ઈન્ડિયા અભિયાન અને ટકાઉ જીવનશૈલીના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો છે.

સાથે સાથે યાત્રા દરમિયાન ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, પરંપરા અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનું પ્રતિબિંબ પણ જોવા મળ્યું છે.

ભારતમાં આજ સુધી કોઈપણ વ્યક્તિ અથવા ટીમ દ્વારા વ્યાપક અંતર આવરી લેતી અને પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખતી સાયકલિંગ યાત્રા કરવામાં આવી નથી, જેના કારણે “Pedal to Plant” અભિયાન રાષ્ટ્રીય સ્તરે એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે સ્થાન પામે છે.

મુન્દ્રા પહોંચતા અભિયાન ટીમનું અદાણી હાઉસ ખાતે ગૌરવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમના અનુશાસન, સાહસ અને સામાજિક-પર્યાવરણલક્ષી યોગદાનને વિશેષરૂપે પ્રશંસા આપવામાં આવી હતી.

આ અવસરે “Pedal to Plant” અભિયાન સાથે જોડાયેલા તમામ સંસ્થાઓ અને વિભાગો પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ, રમતગમત મંત્રી, સંરક્ષણ દળો, પોલીસ વિભાગો, વિવિધ રાજ્ય પ્રશાસનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, રમતગમત સંસ્થાઓ તેમજ સમગ્ર માર્ગ દરમિયાન સહયોગ આપનાર નાગરિકોના યોગદાનને અભિયાનની સફળતામાં મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે.

અભિયાનનું નેતૃત્વ એવરેસ્ટ વિજેતા, આંતરરાષ્ટ્રીય પર્વતારોહક અને ઈન્ડિયા ટુ લંડન સાયકલિસ્ટ એવા નિશા બહેન દ્વારા કરવામાં આવ્યું હતું.

કોચ તરીકે નિલેશ બારોટની નોંધપાત્ર ભૂમિકા રહી હતી. ખાસ ઉલ્લેખનીય બાબત તરીકે આઠ વર્ષીય નિક્ષા બારોટની ભાગીદારી ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને યુવા શક્તિનું પ્રતીક બની છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande