
તેહરાન (ઈરાન), નવી દિલ્હી, 04 જાન્યુઆરી
(હિ.સ.) મોંઘવારી અને દેશના સર્વોચ્ચ નેતા ખામેનીએ વિરોધ પ્રદર્શનો દેશના 31 પ્રાંતોમાંથી, 25માં ઓછામાં ઓછા 60 શહેરોમાં ફેલાઈ
ગયા છે. આ શહેરોમાં 174 સ્થળોએ,
પરિસ્થિતિ ગંભીર છે. વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ઓછામાં
ઓછા 16 લોકોના મોત થયા
છે. આમાં 15 વિરોધીઓ અને એક
સુરક્ષા દળના સભ્યનો સમાવેશ થાય છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઇએ, અશાંતિ
શરૂ થયા પછીના પોતાના પહેલા ભાષણમાં વિરોધીઓને તોફાની ગણાવ્યા હતા.
ઈરાન ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, “અમેરિકાની હ્યુમન
રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી (એચઆરએએનએ) એ અહેવાલ આપ્યો છે કે, ઈરાનમાં સાત દિવસના રાષ્ટ્રવ્યાપી
વિરોધ પ્રદર્શનો દરમિયાન ઓછામાં ઓછા 15 વિરોધીઓ અને એક સુરક્ષા દળના સભ્યનું મોત થયું છે.”
અહેવાલમાં જણાવાયું છે કે,” દેશના 31 પ્રાંતોમાંથી 25 પ્રાંતોના 60 શહેરોમાં 174 સ્થળોએ વિરોધ પ્રદર્શન, હડતાળ અથવા મેળાવડા થયા હતા. ઓછામાં ઓછા 582 વિરોધીઓની
અટકાયત કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં સગીરોનો પણ સમાવેશ થાય છે.” ઈરાન
ઈન્ટરનેશનલે પુષ્ટિ આપી હતી કે,” વિરોધ પ્રદર્શન દરમિયાન ઈરાની દળોના જીવંત
દારૂગોળાથી ઓછામાં ઓછા 44 લોકો ઘાયલ થયા
હતા.”
ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઇએ શનિવારે અશાંતિ શરૂ થયા
પછીના તેમના પ્રથમ જાહેર ભાષણમાં, વિરોધીઓને તોફાની ગણાવ્યા અને તેમના દમન માટે
હાકલ કરી. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત માઈક વોલ્ટ્ઝે કહ્યું કે,” યુનાઇટેડ
સ્ટેટ્સ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, સ્વતંત્રતા-પ્રેમી ઈરાનીઓ સાથે મજબૂત રીતે
ઉભા છે.”
ઈરાનમાં માનવ અધિકારો પર યુએનના વિશેષ સંવાદદાતા માઈ સાતોએ,
ઈરાની અધિકારીઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ સભાના અધિકારોનું સન્માન
કરવા અને વિરોધીઓ સામે વધુ પડતા બળનો ઉપયોગ કરવાથી દૂર રહેવા વિનંતી કરી. દરમિયાન, ઈરાની રાજધાનીમાં
બે દિવસની પ્રમાણમાં શાંતિ પછી, શુક્રવારે રાત્રે તેહરાનના પૂર્વી અને પશ્ચિમી જિલ્લાઓમાં
વિરોધીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. પવિત્ર શહેરો મશહદ અને કોમમાં પણ આવા જ વિરોધ
પ્રદર્શન થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ