ગોબરધન યોજનાનો શુભારંભ, સીબીજી ઉત્પાદનમાં દસ ગણો વધારો કરવાનો લક્ષ્ય, કચરામાંથી ઊર્જા અને જૈવિક ખાતરને પ્રોત્સાહન મળશે
નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.). ગ્રામીણ વિસ્તારોમાં જૈવ-વિઘટનશીલ અને પશુ કચરાને ઉપયોગી બાયો-સીએનજી અને જૈવિક ખાતરોમાં રૂપાંતરિત કરવાના ઉદ્દેશ્યથી ગોબરધન યોજનાનો ઔપચારિક શુભારંભ ગુરુવારે ભારત મંડપમમાં કરવામાં આવ્યો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગ
ગોબરધન યોજનાનો શુભારંભ કરતા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી


નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.). ગ્રામીણ વિસ્તારોમાં જૈવ-વિઘટનશીલ અને પશુ કચરાને ઉપયોગી બાયો-સીએનજી અને જૈવિક ખાતરોમાં રૂપાંતરિત કરવાના ઉદ્દેશ્યથી ગોબરધન યોજનાનો ઔપચારિક શુભારંભ ગુરુવારે ભારત મંડપમમાં કરવામાં આવ્યો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં ઘરેલું કોમ્પ્રેસ્ડ બાયોગેસ (સીબીજી) ના ઉત્પાદનમાં લગભગ દસ ગણો વધારો કરવાનો છે.

તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંકટને કારણે ઉદ્ભવેલી વૈશ્વિક ઊર્જા અસ્થિરતા વચ્ચે આ પહેલને આત્મનિર્ભર ભારતની દિશામાં એક પરિવર્તનકારી અને મહત્વપૂર્ણ પહેલ ગણાવી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ યોજના માત્ર ગ્રામીણ વિસ્તારોમાં ઉપલબ્ધ જૈવ-વિઘટનશીલ અને પશુ કચરાને ઉપયોગી બાયો-સીએનજી અને જૈવિક ખાતરોમાં રૂપાંતરિત કરશે એટલું જ નહીં, પરંતુ ભારતના નેટ-ઝીરો કાર્બન લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે અને આયાતી અશ્મિભૂત ઇંધણ પર દેશની નિર્ભરતા ઘટાડશે.

બાદમાં મીડિયાને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ ડો. નીરજ મિત્તલ અને સંયુક્ત સચિવ આલોક ત્રિપાઠી સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી સહાય વિશે પણ વિગતવાર માહિતી આપી. આ દરમિયાન એ પણ જણાવવામાં આવ્યું કે પ્રતિ ટન પ્રતિદિન ક્ષમતા પર 2 કરોડ રૂપિયા સુધીની નાણાકીય સહાયની જોગવાઈ હશે. એ પણ જણાવવામાં આવ્યું કે, ભારતમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થા gobardhan.eil.co.in દ્વારા નોંધણી કરાવી શકે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય પાસેથી વિવિધ લાભો અને સહાય મેળવવા માટે આ નોંધણી આવશ્યક રહેશે.

આ પહેલા ઉદ્ઘાટન સંબોધનમાં ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ આલોક ત્રિપાઠીએ જણાવ્યું કે, હાલમાં ગોબરધન પહેલ હેઠળ 217 કોમ્પ્રેસ્ડ બાયોગેસ (સીબીજી) પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે. આ પ્લાન્ટ્સમાંથી દરરોજ લગભગ 0.4 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ ડો. નીરજ મિત્તલે આવી પહેલોની સફળતામાં રાજ્ય સરકારોની અસરકારક ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આ પહેલને અસરકારક રીતે સંચાલિત કરવા અને તેને ગામડે ગામડે પહોંચાડવામાં રાજ્યોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

ગોબરધન યોજના ભારત સરકારની એક રાષ્ટ્રીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય પશુ છાણ, કૃષિ અવશેષો તથા અન્ય જૈવિક કચરાને સ્વચ્છ ઊર્જા, જેમ કે કોમ્પ્રેસ્ડ બાયોગેસ અને જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરવાનો છે. આ પહેલના અમલીકરણ માટે ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો સાથે મળીને કાર્ય કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અબ્દુલ વાહિદ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande