
હરારે (ઝિમ્બાબ્વે), નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.) ઝિમ્બાબ્વેના મરોનડેરામાં બુધવારે હેલિકોપ્ટર ક્રેશ થયું. ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ. હેલિકોપ્ટરમાં ચાર મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. આ દુર્ઘટનામાં તમામ છ લોકોના મોત થયા. મૃતકોમાં 43 વર્ષીય ઉદ્યોગપતિ વિકનેલ ચિવાય અને તેમની પત્ની લ્યુસી મુતેકે પણ સામેલ છે. ચિવાયને રાષ્ટ્રપતિ એમર્સન મનાંગાગ્વાના નજીકના માનવામાં આવતા હતા.
ઝિમ્બાબ્વેના અખબાર ન્યૂઝ ડેના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના રાજધાની હરારેથી લગભગ 70 કિલોમીટર પૂર્વમાં મરોનડેરામાં થઈ. પોલીસને દુર્ઘટનાની જાણકારી બુધવારે સાંજે લગભગ પાંચ વાગ્યે મળી. દુર્ઘટના કયા કારણે થઈ, તે હજુ સ્પષ્ટ નથી. વિકનેલ ચિવાય ઇન્ટ્રાટ્રેક ઝિમ્બાબ્વેના સ્થાપક હતા. આ કંપની એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સમાં કામ કરતી હતી. ચિવાય ગ્વાન્ડા સોલર પ્રોજેક્ટ જેવા સરકારી કોન્ટ્રાક્ટને લઈને પણ ચર્ચામાં રહ્યા.
તેઓ તેમની ભવ્ય જીવનશૈલી અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે પણ જાણીતા રહ્યા છે. ચિવાય મોંઘી કારો અને લક્ઝરી હેલિકોપ્ટરો સાથે પોતાની તસવીરો શેર કરતા રહ્યા છે. ચિવાય દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટો, તાન્ઝાનાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસન અને ઇસ્વાતિનીના કિંગ મસ્વાતી ત્રીજા સહિત અનેક મોટા નેતાઓના નજીકના રહ્યા છે. ચિવાય પર ઝિમ્બાબ્વે અને આસપાસના દેશોમાં સરકારી કોન્ટ્રાક્ટ્સ અને ચૂંટણી ભંડોળ સંબંધિત આરોપો લાગ્યા હતા. તેમણે આ આરોપોનો ઇનકાર કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ