
સુરત, 10 ઓક્ટોબર (હિ.સ.):
સુરતના ગોડાદરા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં મહાદેવનગરમાં રહેતા 17 વર્ષીય અક્ષય વિક્રમ મોરેનું પોતાના ઘરે મોત થયું છે. અક્ષય CAનો અભ્યાસ કરતો હતો અને અભ્યાસમાં તેજસ્વી હોવાની સાથે શાંત સ્વભાવ માટે પણ જાણીતો હતો. ઘટનાના સમયે તે ઘરે એકલો હતો. તેની માતા બહારથી પરત ફરી ત્યારે પુત્રને જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ અક્ષયને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, અક્ષયના પિતાનું વર્ષ 2009માં અવસાન થયું હતું. ત્યારથી તેની માતા અને મોટો ભાઈ પરિવારનો આધાર હતા. મોટો ભાઈ હીરા ઘસવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અક્ષય અભ્યાસ પૂર્ણ કરીને ભવિષ્યમાં સારી સફળતા મેળવશે તેવી પરિવારને આશા હતી. જોકે, આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસ સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અક્ષયના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિવારજનોના જણાવ્યા મુજબ, તેને કોઈ ગંભીર તકલીફ હોવાની જાણ નહોતી અને ઘરમાં પણ કોઈ વિવાદ થયો હોવાનું સામે આવ્યું નથી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે