
રાજકોટ, 10 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવરાત્રિ પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યવ્યાપી મહિલા કલ્યાણકારી પહેલોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના ૨૭ જિલ્લાઓના ૧૩૬ બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત 'ગ્રામ હાટ'નું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી ગ્રામીણ મહિલાઓની હસ્તકલા અને ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓને સીધું અને વિશાળ બજાર મળી રહેશે.
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને વિકાસયાત્રામાં માત્ર લાભાર્થી નહીં પરંતુ ડેવલપમેન્ટ પાર્ટનર બનાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વુમન લેડ ડેવલપમેન્ટ' અને 'વોકલ ફોર લોકલ' ના મંત્રને સાર્થક કરતી આ પહેલ હેઠળ રાજ્યભરમાં અઢી લાખથી વધુ સખીમંડળોની ૩૦ લાખ ગ્રામીણ બહેનો પોતાના કૌશલ્યના આધારે આત્મનિર્ભર બની રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮.૫ લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે અને વર્ષ ૨૦૨૯ સુધીમાં આ લક્ષ્યાંકને વધુ વ્યાપક બનાવવાની નેમ છે.
મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ વચ્ચે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) કરવામાં આવ્યા છે. મહિલાઓને સફળ ડિજિટલ ઉદ્યોગ સાહસિક બનાવવા માટે એન.આઈ.એફ.ટી., માઈકા અને ઈ.ડી.આઈ.આઈ. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા વિશેષ મેન્ટરશિપ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ તાલીમ અને માર્ગદર્શનથી મહિલાઓ આધુનિક બજારની માંગ મુજબ પોતાના વ્યવસાયને વેગ આપી શકશે.
સહકાર અને પશુપાલન વિભાગના સંકલનથી મહિલાઓની આર્થિક પ્રગતિને નવી પાંખો મળશે. આ યોજના અંતર્ગત આગામી સમયમાં રાજ્યના ૧૮ હજાર ગામડાઓમાં મહિલા સંચાલિત મિલ્ક પાર્લર શરૂ કરવામાં આવશે. જી.એલ.પી.સી. અને અમૂલ વચ્ચે થયેલા આ એમ.ઓ.યુ.ના ભાગરૂપે સખીમંડળની બહેનોને અમૂલ પાર્લરની ફાળવણી કરવામાં આવી છે, જેથી પશુપાલન સાથે જોડાયેલી ગ્રામીણ બહેનોની આવકમાં મોટો વધારો થઈ શકે.
આ કાર્યક્રમમાં બહેનોને આર્થિક સહાય પૂરી પાડવા માટે વિવિધ સ્વસહાય જૂથોને લાખો રૂપિયાના કેશ ક્રેડિટ ચેક અને ઈ-કોમર્સ ઇન્સેન્ટિવના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આર્થિક વ્યવહારો અને માર્કેટિંગ સરળ બને તે માટે એસ.બી.આઈ., પી.એન.બી., આઈ.સી.આઈ.સી.આઈ. સહિતની અગ્રણી બેન્કો સાથે મળીને વિશેષ આર્થિક સહાયનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગ્રામીણ સ્તરે મૂડીની પૂર્તિ કરશે.
રાજકોટ ખાતે પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી અને ગ્રામવિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, મિશન મંગલમ અને સરસ મેળા જેવા માધ્યમો દ્વારા મહિલાઓની કલા અને કૌશલ્યને યોગ્ય મંચ મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ૨૩૬ સરસ મેળા યોજાયા છે, જેમાં ૮૫૦૦ સ્વસહાય જૂથોએ અંદાજે ૪૦ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે. રેસકોર્સ ખાતે શરૂ થયેલા આ ત્રિ-દિવસીય મેળામાં બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.
અંત્યોદયના અભિગમને સાકાર કરતાં રાજકોટ જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ વંચિત પરિવારોને રહેણાંક હેતુ માટે વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. સરકારના આ અભિગમથી ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા પરિવારોને કાયમી સરનામું અને સુરક્ષા મળી રહી છે, જે સામાજિક ન્યાયની દિશામાં એક મોટું પગલું છે.
આ ભવ્ય આયોજનમાં રાજ્યભરના પદાધિકારીઓ, સખીમંડળની બહેનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ પહેલો ગ્રામીણ ગુજરાતની આવનારી સમૃદ્ધિનો મજબૂત પાયો બનશે અને મહિલાઓને આર્થિક રીતે વધુ સશક્ત તથા આત્મનિર્ભર બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આ તકે મેયર ડો. નેહલ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, જયેશભાઈ રાદડીયા, દુર્લભજીભાઈ દેથરિયા, મેઘજીભાઈ ચાવડા, ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્રસચિવ ધનંજય દ્વિવેદી, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક (ઈ) પ્રિયંક ગલચર, અગ્રણી માધવભાઈ દવે, સખી મંડળની મહિલાઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt