

કચ્છ, 10 ઓક્ટોબર (હિ.સ.) : અશ્લીલ ફોટા-વીડિયોના નામે બ્લેકમેઇલ કરી વારંવાર જાતીય શોષણ કરવાના કેસમાં કડક ચુકાદો; આરોપીને રૂ. 50 હજારનો દંડ અને પીડિતને રૂ. 3 લાખનું વળતર ચૂકવવા આદેશ
કચ્છના લખપત તાલુકાના દયાપરમાં 14 વર્ષના કિશોર સાથે જાતીય અત્યાચાર આચરી, અશ્લીલ ફોટા અને વીડિયો દ્વારા બ્લેકમેઇલ કરી વારંવાર તેનું શોષણ કરવાના ગંભીર કેસમાં ભુજની પોક્સો અદાલતે કડક ચુકાદો આપ્યો છે. કિશોરનું જાતીય શોષણ કરવાના ગુનામાં દયાપરના ગાયત્રીનગરમાં રહેતા 32 વર્ષીય મનસુખ ભગવાનભાઈ બારૈયાને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે રૂ. 50 હજારનો દંડ અને અન્ય ગુના હેઠળ એક વર્ષની કેદની સજા પણ સંભળાવવામાં આવી છે.
આ કેસની ઘટના નવેમ્બર 2024માં બની હતી. દિવાળીના વેકેશન દરમિયાન 14 વર્ષનો કિશોર પોતાના મિત્રના ઘરે આવ્યો હતો. એક દિવસ સાંજના સમયે બંને મિત્રો કબૂતર જોવા માટે નીકળ્યા હતા. રસ્તામાં મિત્રના સગા કાકા મનસુખ બારૈયા તેમને મળ્યા હતા. કબૂતર બતાવવાની વાત કરીને આરોપી બંનેને પોતાની આઈ-ટેન કારમાં બેસાડીને મોરગર સીમના નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો.
ત્યાં કારની પાછળની સીટ પર આરોપીએ કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હોવાના આધારે તેને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો. આ રીતે કિશોરનું વારંવાર જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આખરે 4 ફેબ્રુઆરી 2025ના રોજ દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ હતી. તપાસ દરમિયાન તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ભોલાએ 30 દસ્તાવેજી પુરાવા અને 14 સાક્ષીઓના આધારે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.
ભુજની વિશેષ પોક્સો અદાલતના જજ એમ.એફ. ખત્રીએ પુરાવા અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને આરોપીને પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ 20 વર્ષની સખત કેદ તથા રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો. ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(1) હેઠળ એક વર્ષની કેદ અને રૂ. 1 હજારનો દંડ પણ ફટકારાયો હતો.
આ ઉપરાંત, પીડિત બાળકને રૂ. 3 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA)ને આદેશ આપવામાં આવ્યો છે. કેસમાં સરકાર તરફથી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ રજૂઆતો કરી હતી. આ ચુકાદો સગીર બાળકો સામે થતા જાતીય ગુનાઓમાં કાયદાની કડક કાર્યવાહીનું મહત્ત્વ દર્શાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar