
નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). ભારત સામેની આગામી પાંચ મેચની વન-ડે શ્રેણી માટે ન્યુઝીલેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ફિન એલન, લોકી ફર્ગ્યુસન, રચિન રવીન્દ્ર અને ટિમ સીફર્ટને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે મિચેલ સેન્ટનર ટીમનું સુકાનીપદ સંભાળશે. વન-ડે શ્રેણીની શરૂઆત 4 નવેમ્બરના રોજ ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ)ના ઈડન પાર્કમાં થશે. આ પહેલા બંને ટીમો વચ્ચે 22 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાંચ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અનુસાર, ટીમ જાન્યુઆરીમાં ભારત સામે મળેલી ઐતિહાસિક વન-ડે શ્રેણી જીતના પ્રદર્શનને પુનરાવર્તિત કરવાના ઇરાદાથી મેદાન પર ઉતરશે. ન્યુઝીલેન્ડે જાન્યુઆરીમાં ભારતને તેની ઘરઆંગણે 2-1 થી હરાવીને પહેલીવાર ભારતીય ધરતી પર વન-ડે શ્રેણી જીતવાનો કારનામો કર્યો હતો.
ન્યુઝીલેન્ડે આ વન-ડે શ્રેણીની પ્રથમ ત્રણ મેચ માટે અલગ અને છેલ્લી 2 મેચ માટે અલગ ટીમની જાહેરાત કરી છે. શ્રેણીની ત્રીજી વન-ડે પછી ન્યુઝીલેન્ડ ટીમના કેટલાક ખેલાડીઓ આગામી ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે વેલિંગ્ટન રવાના થશે. આવા સંજોગોમાં ચોથી અને પાંચમી વન-ડે માટે સાત વધારાના ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવશે.
ફિન એલન અને લોકી ફર્ગ્યુસને છેલ્લીવાર 2023માં વન-ડે મેચ રમી હતી. ફર્ગ્યુસનની છેલ્લી વન-ડે મેચ મુંબઈમાં ભારત સામે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપની સેમિફાઇનલ હતી. જ્યારે, ટિમ સીફર્ટે લગભગ 18 મહિના પહેલા પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડની ઘરઆંગણાની શ્રેણીમાં છેલ્લીવાર વન-ડે ક્રિકેટ રમ્યો હતો. ખભાની ઈજાને કારણે ન્યુઝીલેન્ડની ટી20 ટીમમાંથી બહાર થયેલા રચિન રવીન્દ્ર વન-ડે શ્રેણીની શરૂઆતની ત્રણ મેચોમાં વાપસી કરશે.
ન્યુઝીલેન્ડની વન-ડે ટીમ
પ્રથમ ત્રણ વન-ડે માટેની ટીમ:
મિચેલ સેન્ટનર (સુકાની), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, કાઈલ જેમિસન, ટોમ લેથમ (વિકેટકીપર), ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, નાથન સ્મિથ, વિલ યંગ અને બ્લેર ટિકનર.
ચોથી અને પાંચમી વન-ડે માટેની ટીમ:
મિચેલ સેન્ટનર (સુકાની), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, લોકી ફર્ગ્યુસન, મિચ હે (વિકેટકીપર), નિક કેલી, ટિમ સાઈફર્ટ (વિકેટકીપર), બ્લેર ટિકનર અને વિલ યંગ.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ