રાજકોટમાં મહેમાન અને મિત્રો સાથે હોટેલમાં ગયેલા યુવાન સાથે નશાની હાલતમાં મેનેજર સહિતનાનો હુમલો
રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં રૈયા ચોકડી પાસે રહેતો ૩૪ વર્ષીય આશિષ દિનેશભાઈ મારડીયા નામનો યુવાન પોતાના મહેમાનો અને મિત્ર અકરમ દાઉદાણી સાથે ત્રિકોણબાગ પાસે આવેલી હોટલ ફ્લોરાઈનમાં ગયો હતો. તે દરમિયાન દારૂના નશામાં ધૂત હોટલ મેનેજરે સ્ટાફ સાથે
હુમલો


રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં રૈયા ચોકડી પાસે રહેતો ૩૪ વર્ષીય આશિષ દિનેશભાઈ મારડીયા નામનો યુવાન પોતાના મહેમાનો અને મિત્ર અકરમ દાઉદાણી સાથે ત્રિકોણબાગ પાસે આવેલી હોટલ ફ્લોરાઈનમાં ગયો હતો. તે દરમિયાન દારૂના નશામાં ધૂત હોટલ મેનેજરે સ્ટાફ સાથે ઝઘડો કરી અકરમનો કાઠલો પકડ્યો હતો. ત્યારબાદ આ મામલે સમાધાન કરવાના બહાને યુનિવર્સિટી રોડ પર બોલાવી હોટલ સંચાલક સહિત ૭ થી ૮ શખ્સોએ યુવક પર બેફામ હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, આશિષ મારડીયાના ઘરે મહેમાનો આવ્યા હોવાથી તે પોતાના મિત્ર અને કોર્પોરેટરના ભત્રીજા અકરમ દાઉદાણી સાથે મહેમાનોને લઈને ત્રિકોણબાગ સ્થિત હોટલ ફ્લોરાઈન પહોંચ્યો હતો. હોટલમાં પ્રવેશતા જ મેનેજર દારૂ પીધેલી હાલતમાં પોતાના સ્ટાફ સાથે બબાલ કરી રહ્યો હતો. ઉશ્કેરાયેલા મેનેજરે આશિષ અને અકરમ સાથે પણ ઝઘડો શરૂ કર્યો હતો અને અકરમનો કાઠલો પકડી લીધો હતો.

આ ઘટના અંગે હોટલ સંચાલક દીપક રબારી સાથે પાલ રોડ પર રાસોત્સવનું આયોજન કરતા આશિષના મામાના દીકરાને જાણ થઈ હતી. તેણે આશિષને ફોન કરીને મામલો જતો કરવા કહ્યું હતું, જેથી આશિષ પોતાના મિત્ર અને મહેમાનો સાથે ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેઓ યુનિવર્સિટી રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલ પાસે બેઠા હતા.

ત્યારપછી હોટલ સંચાલક દીપક રબારીએ આશિષને ફોન કરી મામલાનું સમાધાન કરવા યુનિવર્સિટી રોડ પર આવવાનું કહ્યું હતું. થોડીવારમાં દીપક રબારી, સિદ્ધરાજ ડોડીયા સહિત સાતથી આઠ લોકો દ્વારકાધીશ હોટલ પાસે પહોંચી ગયા હતા. આશિષ વાતચીત શરૂ કરે તે પહેલા જ તમામ શખ્સોએ ધોકા વડે તેના પર અચાનક હુમલો કરી દીધો હતો.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા આશિષ મારડીયાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આક્ષેપોના આધારે નોંધ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande